ભરતસિંહ વાઢેર, વલસાડ : પારડી પોલીસે થર્ટી ફર્સ્ટની પૂર્વ સંધ્યાએ સપાટો બોલાવ્યો છે. સંઘપ્રદેશ દમણમાં થર્ટી ફસ્ટની પાર્ટી પહેલા દમણમાં પાર્ટી કરીને ગુજરાતમાં પરત ફરતા દારૂ રસિક માટે વર્ષનો છેલ્લો દિવસ જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. આ વખતે કોરોનાના સંક્રમણને કારણે સંઘપ્રદેશ દમણમાં થર્ટી ફર્સ્ટની નાઈટ પાર્ટી નું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું છે. જોકે દારૂ રસિકો રાત્રિના બદલે દિવસે દારૂની પાર્ટી કરવા દમણ પહોંચી ગયા હતા અને થર્ટી ફર્સ્ટની રાત્રિએ જ વલસાડ પોલીસ સક્રિય હોય છે તેવું માનીને ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યા હતા.
જોકે પારડી પોલીસે આ લોકોનો ખેલ ઊંધો પડ્યો હતો અને એક દિવસ અગાઉ જ પાતલીયા ચેકપોસ્ટ પર સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. દમણમાંથી પારડી તરફ આવતા તમામ લોકોને બ્રિધ એનેલાઇઝર વડે તપાસ કરવામાં આવ્યા હતા, અને થર્ટી ફર્સ્ટની પૂર્વ સંધ્યાએ 90થી વધારે દારૂ રસિક ઝડપાયા હતા. હવે આ સઘન ચેકિંગ સમગ્ર રાત દરમિયાન થશે એટલે કે ટૂંક સમયમાં સદી પણ નોંધાઇ જશે. આ વખતે કોરોનાની ગાઈડલાઈનના કારણે આ તમામ લોકોને પોલીસ સ્ટેશનને બદલે પારડીના એક લગ્ન હોલમાં રાખવામાં આવ્યા હતા.
મહત્વપૂર્ણ છે કે, થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે અનેક શોખીનો દારૂની છૂટ ધરાવતા સંઘપ્રદેશ દમણમાં જાય છે. ત્યાંથી દારૂનો નશો કરી વાહન ચલાવતા ગુજરાતમાં પ્રવેશતા હોય છે, આથી દર વર્ષે. થર્ટી ફર્સ્ટની ઉજવણી બાદ હાઇવે પર મોટા પ્રમાણમાં એકસીડન્ટ પણ થતા હોય છે. આથી આવા બનાવો રોકવા અને રાજ્યમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવા માટે વલસાડ પોલીસ દમણ અને ગુજરાતની સરહદ પર તમામ ચેકપોસ્ટ પર પોલીસ પહેરો ગોઠવવામાં આવે છે, અને દમણમાંથી ગુજરાતમાં દારૂના નશામાં પ્રવેશતા શોખીનોને સબક શિખવાડવામાં આવે છે. આથી વલસાડ જિલ્લાના પોલીસ સ્ટેશનો પીધેલાઓથી ઉભરાય છે, અને અંદાજે 2 હજાર જેટલા લોકો દર વર્ષે વલસાડ પોલીસ સાથે નશાની હાલતમાં ઝડપાય છે.
જોકે આ વખતે કોરોનાને કારણે કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કરવા માટે પોલીસ સ્ટેશનમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતની ગાઈડલાઈનનો અમલ કરવો મુશ્કેલ હોવાથી, આ વખતે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનોની નજીક આવેલા મોટા પાર્ટી પ્લોટ અને હોલ બુક કરવામાં આવ્યા છે, ત્યારે પાતલીયા ચેકપોસ્ટ પર પણ પહેલા દિવસે ઝડપાયેલા 90થી વધુ પીધેલાઓથી પારડી પોલીસ સ્ટેશન ઉભરાતા પોલીસે આરોપીઓને પોલીસ સ્ટેશનની નજીકમાં જ આવેલા એક હોલમાં રાખવામાં આવ્યા હતા, અને રાત ભર કાર્યવાહી ચાલી હતી.
આમ થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે જે લોકો ખાવા-પીવાની પાર્ટી માટે દમણમાંથી રાજાપાઠમાં ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો. તેઓએ હવાલાતની હવા ખાવાનો વારો આવ્યો હતો. આમ વલસાડ પોલીસે અત્યારથી જ કડક કાર્યવાહી કરતા શોખીનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો, અને દારૂની છૂટ ધરાવતા સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીની હદ પર આવેલી 16 જેટલી ચેકપોસ્ટના ચેકનાકા ઉપર પોલીસની બાજ નજર છે.