ભરતસિંહ વાઢેર, વલસાડ: રાજ્યમાં દારૂ બંધીનો કાયદો માત્ર કાગળ પર રહી ગયો હોય તેવું લાગી રહ્યું છે. રોજે-રોજ રાજ્યમાં દારૂની મહેફીલ, દારૂનો જથ્થો પોલીસના હાથ લાગતો હોય છે. બુટલેગરો રાજ્યમાં દારૂ ઘુસાડવા માટે રોજ નવા-નવા આઈડીયા અપનાવતા હોય છે. ત્યારે આજે વલસાડ જિલ્લાના એક આરોગ્ય કેન્દ્રમાં વિદેશી દારૂની બોટલો મળી આવતા આરોગ્ય વિભાગ દોડતો થઈ ગયો છે.
જોકે ગંભીર વાત એ છે કે, સરકારી દવાખાનાના લેબર રૂમમાં દારૂની બોટલો મળી આવવાનાની વાત અને વિડિયો ડ્રાઇવરે લીક કર્યો હોવાની આશંકાએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ ડ્રાઈવરને ધમકાવ્યો હતો. જેની વાત વહેતી થતાં જ કિસ્સો જિલ્લાના આરોગ્ય વર્તુળમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. ત્યારે દવાખાનામાં દારૂની મહેફિલ કોણે માણી? તે એક મોટો પ્રશ્ન સર્જાયો છે.
આ ગંભીર બાબતે જિલ્લાના આરોગ્ય અધિકારીને પૂછવામાં આવતા તેઓએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો, અને આવી કોઈ ઘટના જ ન બની હોવાનો નનૈયો ભણ્યો હતો. તો ચનવાઈના સરકારી દવાખાનાના મહિલા અધિકારીએ પણ પોતે સમગ્ર બાબતથી અજાણ હોવાની રટણ કરી રહ્યા છે, પરંતુ આ બાબતે હવે તાલુકા વિકાસ અધિકારીએ પણ તપાસ હાથ ધરી છે. અને હોસ્પિટલના સ્ટાફની પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, હમણાં જ આ મહિનાના શરૂઆતમાં વલસાડ જિલ્લા એલસીબી પોલીસે (Valsad District LCB Police) દરિયાકિનારાથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. મહત્વપૂર્ણ છે કે કોરોનાના કારણે લોકડાઉન (Lockdown) જેવા માહોલમાં છ મહિનાથી લાંબા સમય સુધી ગુજરાત અને દમણની સરહદો સીલ કરી દેવામાં આવી હતી. આથી દારૂની છૂટ ધરાવતા દમણમાંથી ગુજરાતમાં દારૂની હેરાફેરી ઉપર મોટાભાગે રોક લાગી હતી. હવે દારૂની છૂટ ધરાવતા સંઘપ્રદેશ દમણ અને ગુજરાત વચ્ચેની સરહદો ફરી ખોલી દેવાતા મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરી શરૂ થઈ ગઈ છે. આજ રોજ પોલીસે લાખો રૂપિયાનો દારૂ પોલીસ ઝડપી પાડ્યો હતો.