હેમંત ગામીત, તાપી: તાપીના ઓટા-સોનગઢ રોડ પર સાદડુન ગામ (Saddun village)ની પાસે આવેલી ડેરીની સામે બે બાઇક સામે સામે ધડાકાભેર અથડાતા ઘટના સ્થળ પર જ બંને બાઇક ચાલકનાં કરૂણ મોત થયા હતા. બીજી તરફ બંને બાઇક પર પાછળ બેઠેલા લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમના સારવાર માટે વ્યારા (Vyara) ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં બે લોકોના મોતને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. બીજા એક અકસ્માતમાં ભરૂચમાં વાલીયાના વટારીયા ગામ (Vatariya village) નજીક અકસ્માત થયો છે. જેમાં એક ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા ત્રાલસા ગામ (Tralsa Village)ના વિદ્યાર્થી મોત થયું છે. અન્ય એક વિદ્યાર્થીને ઇજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડાયો છે.
બેફામ રીતે બંને બાઈક ચાલકોએ સામ સામે પોતાની બાઈકો અથડાવી દેતાં ઘટનાસ્થળ પર જ બંને બાઈક ચાલકનાં મોત થયા હતા. બાઈક પર સવાર અન્ય બે શખ્સોને ગંભીર હાલતમાં સારવાર માટે વ્યારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા ઓટાથી સોનગઢ રોડ પર વહેલી સવારે 4 વાગ્યે બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ધડાકાભેર બંને બાઈક સામસામે ભટકાતા આસપાસ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી ઇજાગ્રસ્ત બાઈક સવારોને હોસ્પિટલ ખસેડયા હતા. જ્યારે બંને બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાને લઇને વધુ તપાસ હાથ ધરી હતી.
ભરૂચમાં અકસ્માત: બીજા એક અકસ્માતમાં ભરૂચના વાલીયાના વટારીયા ગામ નજીક આવેલ પનિયારીના વળાંક પાસે હાઈવા ટ્રક ચાલકે બાઇક સવાર વિદ્યાર્થીને ટક્કર મારતા તેનું કમકમાટી ભર્યું મોત થયું છે. અકસ્માતમાં ભરૂચના ત્રાલસા ગામના વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય વિદ્યાર્થીને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયો છે. આ મામલે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.