હેમંત ગામીત (વ્યારા): દક્ષિણ ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો આદિવાસીઓ દ્વારા દિવસેને દિવસે વિરોધ મોટું સ્વરૂપ લઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આજે તાપીના વ્યારા મુકામે મોટી સંખ્યામાં આદિવાસી સમાજ દ્વારા પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અને હિન્દુસ્તાન ઝીંક પ્રોજેક્ટને રદ કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું હતું.
રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર આદિવાસીઓને વિસ્થાપિત કરવા માંગતી હોય દક્ષિણ ગુજરાતમાં આડકતરી રીતે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને અમલી બનાવવા બજેટમાં મંજુરી પણ આપી દીધી હોવાનાં આક્ષેપો સાથે રેલીમાં ઉપસ્થિત કોંગ્રેસના નેતા ડૉ તુષાર ચૌધરીએ આદિવાસીઓને પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ રદ નહીં થાય ત્યાં સુધી લડત ચાલું રાખવાની હાંકલ કરી હતી.
વાંસદાના ધારાસભ્યએ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટમાં આદિવાસીઓને તેમજ પર્યાવરણને વ્યાપક નુકસાન થવાનું હોય તેમજ અનેક ગામો વિસ્થાપિત થવાનાં હોય સરકારને આ મુદ્દે ભીંસમાં લેવા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી અને આગામી 11 મી એ ડાંગ જિલ્લામાં પણ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા દક્ષિણ ગુજરાતમાં નદી જોડાણ યોજનાને સંપૂર્ણ પણે રદ કરવામાં ન આવે તો ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ આદિવાસીઓ દ્વારા જો આ બાબતે મોટું આંદોલન થાય તો આંદોલનમાં ભાગ લેવા પોતાનો ટેકો જાહેર કરી ગુજરાતની ભાજપ સરકાર આદિવાસીઓ પર અસંવેદનશીલ હોવાના આક્ષેપો કર્યા હતાં. રેલીમાં જોડાયેલ માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરીએ પણ સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોમાં સરકાર દ્વારા જમીન પચાવી પાડવાની નીતિઓ બંધ નહીં થાય તો સરકારને ભોગવવું પડશે તેમ મિડિયા સમક્ષ જણાવ્યું હતું.
દક્ષિણ ગુજરાતમાં પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને લઈને કેન્દ્રી અને રાજ્ય સરકાર દ્વારા જે તે સમયે થયેલ એમઓયુ સરકાર દ્વારા હજું સુધી રદ ન કરાતાં સરકારના મંત્રી દ્વારા આ પ્રોજેક્ટનો અમલ નહીં કરવા માટે મોખિક વાતો જ વહેતી કરવામાં આવી હોય આદિવાસીઓને સમગ્ર યોજના બાબતે અંધારામાં રાખી લોલીપોપ જ અપાતો રહ્યો છે. જેને લઇને આજે તાપીના જિલ્લા મથક વ્યારા ખાતે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ રદ કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આદિવાસી એકતા પરિષદ દ્વારા આયોજીત આ રેલીમાં કેવડિયાના આદિવાસી આગેવાન પ્રફુલ્લ વસાવા, દાહોદના જાણીતા આદિવાસી આગેવાન રાજુ વલવાઈ સહિત કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, અનંત પટેલ, માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી, પુનાજી ગામીત, સુનિલ ગામીત તેમજ કોંગ્રેસના દિગ્ગજ નેતા ડૉ.તુષાર ચૌધરી તેમજ મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.