તાપી જિલ્લાના નાનકડા ગામના એક પશુપાલકે 1060 કિલો વજન ધરાવતો, પોણા દસ ફૂટ લંબાઈ અને પોણા છ ફૂટ ઊંચાઈ ધરાવતો જાફરાબદી પાડાનો ઉછેર કર્યો છે. માત્ર સાડા ત્રણ વર્ષની ઉંમર ધરાવતો આ<br />કદાવર પાડો એક માસમાં હાલ 40થી 45 વખત બીજદાન કરે છે. પશુ ચિકિત્સકનું માનવું છે કે આ કદાવર પાડો જિલ્લામાં પ્રથમ છે. પરંતુ જો આ પશુપાલકને સરકાર દ્વારા પ્રોત્સાહન મળે તો અન્ય પશૂપાલકોને પણ આ ક્ષેત્રે કંઈક અલગ કરવાનો ઉત્સાહ વધે તેમ છે.
કલકવા ગામનાં પશુપાલક જયપ્રકાશભાઇ પટેલનું કહેવું છે કે, 'આ પાડા અને ભેંસોને કારણે સારી આવક મેળવી શકીએ છીએ. તેમને ત્યાં રહેલ પાડો જિલ્લાવાસીઓ અને પશુપાલકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તે એક માસની અંદર 40થી45 વખત હાલ કુદરતી બીજદાન કરે છે. આ વિશાળ પાડાને ખરીદવા માટે રૂપિયા 20 લાખ સુધી ઓફર થઇ ગઈ છે પરંતુ પરિવારનાં લોકો પાડાને વેચવાની ના પાડે છે. કારણ કે તે પણ અમારા પરિવારનો સભ્ય બની ગયો છે. ઉપરાંત આ પાડાના બીજદાનથી તેની ઓલાદ પણ તેના જેવી કદાવર અને ગુણવત્તાયુક્ત આવે છે.
ડોલવણનાં પશુપાલક, જીતુભાઇ પટેલ જણાવે છે કે, 'આ કદાવર જાનવરને ખોરાકમાં માં કેલ્શિયમ અને પ્રોટીન યોગ્ય માત્રામાં પીરસાઈ છે. પરંતુ જોઈએ એવી તેના બીજદાન માંગ જિલ્લામાં નથી જેને કારણે તેના પાલક બીજદાનની માંગ આધારે હાલ ખોરાક આપી રહ્યા છે. તાપી જિલ્લામાં કુત્રિમ રીતે બીજદાન પર પશુપાલકો વધુ નિર્ભર છે, પરંતુ જો આવી સારી ઓલાદો પાસેથી કુદરતી બીજદાન કરાવાય તો તેથી પેદા થતું ઓલાદ ચોક્કસ ગુણવત્તાસભર હોય તેવું પશુપાલકોનું પણ માનવું છે.
તાપી, પશુ ચિકિત્સક, ડો. પી.કે.ફૂલેચિત્રાએ આ અંગે જણાવતા કહ્યું કે, 'તાપી જિલ્લાના આ પ્રકારનો કદાવર પાડો લગભગ પ્રથમ હોય તેવું હાલના તબક્કે અને પશુ અધિકારીઓની વાતો પરથી લાગી રહ્યું છે ,સાથે ગુજરાતમાં પણ આ પ્રકારની ઓલાદ ઝૂઝ જોવા મળે છે, જો સરકાર દ્વારા આવા પશુપાલકોને વિશેષ અવસર આપવામાં આવે તો પશુ પાલન નાવ્યવસાયને વધુ વેગ મળે સાથે પશુપાલકોનું જીવન ધોરણ પણ ચોક્કસ ઊંચું આવી શકે સાથે પશુપાલનના ઉદ્યોગને વધુ વેગ મળે તેમ છે.'