ગુજરાતમાં સર્વત્ર મેઘ મહેર જોવા મળી રહી છે. વરસદાનાં આંકડાની વાત કરીએ તો રાજ્યમા છેલ્લા 24 કલાકમા કુલ 229 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 11 ઇંચ વરસાદ ખઆબક્યો છે. આ સાથે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં મોટાભાગનાં વિસ્તારોમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. આ સાથે હજી હવામાન વિભાગે 20 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
રાજ્યના તાપીના ડોલવણમાં 11 ઇંચ વરસાદ પડ્યો છે. સુરતના માંડવીમાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે. તાપીના વ્યારામાં 8 ઇંચ વરસાદ પડ્યો છે. ગીરસોમનાથનાં તાલાલામાં 7 ઇંચ, તાપીનાં વાલોડમાં 7 ઇંચ, નવસારીના વાંસદામાં 6 ઇંચ, ડાંગનાં વઘઇમાં 5.64 ઇંચ, સુરતનાં બારડોલી અને મહુવામાં સાડા પાંચ ઇંચથી વધુ, ગણદેવીમાં સાડા પાંચ ઇંચ, ગાંધીનગરનાં દેહગામમાં 4.8 ઇંચ વરસાદ નોંધાયો છે.
અમદાવાદની વાત કરીએ તો રાતે 12 કલાક સુધી શહેરમાં કુલ 2.7 ઇંચ વરસાદ વરસતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અમદાવાદ પૂર્વની વાત કરીએ તો 2.17 ઇંચ વરસાદ જ્યારે પશ્ચિમમાં 0.76 ઇંચ, ઉત્તર પૂર્વમાં 1.50 ઇંચ, દક્ષિણ પશ્ચિમમાં 1 ઇંચ, મધ્યમાં 1.50, ઉત્તરમાં 0.67 અને દક્ષિણમાં 1.50 ઇંચ વરસાદ ખાબક્યો હતો. મીઠાખળી અને શાહીબાગ અંડરપાસ પાણી ભરાઇ જવાને કારણે બંધ કરવા પડ્યા હતા. અમદાવાદમાં વસ્ત્રાપુર, સેટેલાઈટ, બોપલ, જીવરાજપાર્ક, શ્યામલ, મેમનગર, ઈસ્કોન, પ્રહલાદનગર, મોટેરા, ઘુમા, સરખેજ, શીલજ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, ચાંદખેડા, SG હાઈવે, વાસણા, આંબાવાડી, CG રોડ, આશ્રમ રોડ, પાલડી, અખબાર નગર, RTO, શાહીબાગ, દાણીલીમડા, જુહાપુરા, શાહઆલમ, નરોડા, નિકોલ, બાપુનગરમાં વરસાદ થયો હતો.
રાજ્યમાં લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે. જેના કારણે ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા હજુ 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 20મી ઓગસ્ટ સુધીમાં ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ આગાહીને કારણે તંત્ર પણ એલર્ટ થયુ છે. નદી કિનારાના વિસ્તારોને એલર્ટ કરાયા છે. ભારે વરસાદના પગલે પાણી ભરાતા હોય તેવો કોઝ-વે બંધ કરવા સૂચના પણ આપવામાં આવી છે.઼
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં મેઘરાજા મન મૂકીનેવરસી રહ્યાં છે. ભારે વરસાદને પગલે ડેમોમાં પાણીની આવક થઇ છે. જેના કારણે એવી સ્થિતી થઇ છે કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 51 ડેમો સંપૂર્ણપણે ભરાયા છે. આ તરફ,બનાસકાંઠામાં પરિસ્થિતિ કઇંક વિકટ છે. વરસાદના અભાવે આ જિલ્લાના ડેમોમાં માત્ર 4.43 ટકા જ પાણી છે એટલે ડેમોના હજુય તળિયા દેખાઇ રહ્યાં છે. રાજ્યમાં ભારે વરસાદ વરસતાં અત્યારે 94 ડેમો હાઇએલર્ટ પર મૂકાયાં છે.