હેમંત ગામિત, તાપી : જિલ્લામાં સોનગઢનાં છેવાડાના વડપાડા પ્ર. ઉમરદા ગામનાં જાદુગરની અદભૂત જાદુગરી. વિશ્વ કક્ષાએ 7 દેશોનાં 100 જાદુગરો વચ્ચે IBM દ્વારા આયોજીત ઓનલાઈન જાદુગર સ્પર્ધામાં બીજો ક્રમાંક મેળવી દુનિયાભરમાં તાપી જિલ્લા સહિત ગુજરાત અને ભારત દેશનું નામ કરનાર અભય જાદુગર ચા વેચી પરિવારનું ગુજરાન ચલાવવા બન્યા મજબૂર બન્યા છે.
છેલ્લા 13 વર્ષેની દક્ષિણ ગુજરાતમાં જાદૂકલાને પ્રદર્શિત કરતાં અભય પટેલ કે જેઓ દક્ષિણ ગુજરાત મેજિક એકેડેમીનાં પ્રમુખ પણ છે જેઓએ હાલ મે મહિનામાં IBM નામની આંતરાષ્ટ્રીય સંસ્થા દ્વારા દુનિયાનાં 7 દેશો જેવા કે ફિલિપાઇન્સ, મેક્સિકો, શ્રીલંકા, પાકિસ્તાન સહિતનાં દેશોનાં 100 જાદુગરો વચ્ચે ઓનલાઈન જાદુગરી માટે સ્પર્ધા યોજાઈ હતી, જેમાં અભય જાદુગરે બીજો ક્રમાંક મેળવતા ચારેકોરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. જાદૂકલામાં તાપી જિલ્લામાંથી પ્રતિનિધિત્વ કરી ગુજરાત અને ભારતનું નામ રોશન થતાં અભય જાદુગરે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતાં ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો હતો.
ખાસ તો જણાવવાનું થાય છે કે, વિસરાતી જતી જાદૂકલાને જીવંત રાખી જાદુગરીની કલા થકી લોકોને વર્ષોથી મનોરંજન પુરું પાડતા કલાકારો પણ કોરોનાકાળ કપરા સમયમાં આર્થિક તંગીનો સામનો કરી રહ્યાં છે. છેલ્લા એક-બે વર્ષથી કોરોનાકાળ દરમિયાન મનોરંજનનાં કાર્યક્રમ બંધ રહેતાં અભય જાદુગરની જ વાત કરીએ તો પોતાનું ખુદનું ઘર પણ ન ધરાવનાર અભય જાદુગર ઉમરદા ગામે ભાડાનાં મકાનમાં રહીને સાત મહિનાથી સોનગઢનાં ચાંપાવાડી રેલવે ફાટક પાસે ચાનો સ્ટોલ ખોલી બીજી અન્ય જરૂરી ચીજવસ્તુઓનું વેચાણ કરી જીવન નિર્વાહ કરી રહ્યાં છે.
તેમજ મનોરંજન બંધ રહેતાં જાદુકલા સાથે સંકળાયેલા 15 જેટલાં કર્મચારીઓનાં ઘરનું ગુજરાન ચલાવવામાં પણ મુશ્કેલી સર્જાતાં લોકોને મનોરંજન પુરું પાડતા લાખો એવા કલાકારો કે જેઓનું જીવન નિર્વાહનું એકમાત્ર સ્રોત આ જાદૂકલા છે અને કોરોના મહામારીમાં આવા કલાકારોની હાલત કફોડી બની છે, ત્યારે જાદુગર અભયે ન્યૂઝ 18 નાં માધ્યમ થકી સરકાર આ કોરોનાનાં કપરા કાળમાં કલાકારોને પણ આર્થિક સહાય પૂરી પાડે તે માટે અપીલ કરી હતી.