સુરત: તાપી જિલ્લાના બાજીપુરા નજીક સુરત-ધુલિયા હાઈવે (Surat-Dhulia highway) પર લગ્ન પ્રસંગ (Marriage function)માં આવી રહેલી બસને અકસ્માત (Accident) નડતા ત્રણ લોકોનાં મોત થયા છે. આ સાથે સાત લોકો ઈજાગ્રસ્ત (Injured) થયા છે. અકસ્માતને પગલે લગ્નનનો પ્રસંગ માતમમાં ફેરવાયો છે. બસ અચાનક ટેન્કર (Tanker)માં ઘૂસી ગઈ હતી. અકસ્માત બાદ પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યા હતા. આ સાથે જ ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ બસ માલેગાંવથી રાત્રે ઉપડી હતી. બસ સુરતના લિંબાયત વિસ્તારમાં લગ્ન પ્રસંગામાં આવી રહી હતી. આ દરમિયાન વહેલી સવારે છ વાગ્યાની આસપાસ ગુજરાતની સરહદમાં બસ ટેન્કર પાછળ ઘૂસી ગઈ હતી. વહેલી સવાર હોવાથી બસની અંદર રહેલા મુસાફરો ઊંઘમાં હતા. જે બાદમાં બચાવ કામગીરી શરૂ કરવામાં આવતા ત્રણ લોકોનાં ઘટનાસ્થળે મોત થયા હોવાનું માલુમ પડ્યું હતું.
અકસ્માત એટલો ગંભીર હતો કે બસના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. અકસ્માતમાં કુલ સાત જેટલા લોકો ઈજાગ્રસ્ત હોવાની માહિતી મળી છે, જેમાંથી ત્રણની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી છે. બસમાં મોતને ભેટનાર લોકોમાં પતિ-પત્ની અને એક અન્ય વ્યક્તિનો સમાવેશ થાય છે. બસમી અંદર 35 જેટલા લોકો સવાર હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
અકસ્માતની જે તસવીરો સામે આવી છે તેના પરથી જોઈ શકાય છે કે બસના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો છે. સૂત્રોના કહેવા પ્રમાણે ટેન્કરમાં કોઈ ખરાબી આવી જતાં તે રસ્તાની બાજુમાં ઊભું હતું. આ જ સમયે બસ પાછળથી ટેન્કર સાથે ધડાકાભેર અથડાઈ હતી. બસની સ્પીડ ખૂબ વધારે હોવાથી મોરાનો ભુક્કો બોલી ગયો હતો. આ જગ્યાએ પહેલા પણ અકસ્માત થયા હોવાનું જાણવા મળ્યું છે. મીંઢોળા નદી પર પુલ આવેલો છે. આ પુલ પહેલા એક વળાંક આવે છે. આથી જો અહીં ધ્યાન રાખવામાં ન આવે તો અકસ્માત સર્જાઈ શકે છે.