કિર્તેશ પટેલ સુરત : ગુજરાતી ભાષામાં એક અદભૂત પંક્તિ છેઃ કદમ અસ્થિર હો જેના કદી રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. આજકાલ ઘણા યુવાનો અને યુવતીઓ નિરાશામાં ગરકાવ થઈ અને ડિપ્રેશનની ગોળીઓ ગળી રહ્યા છે ત્યારે આ પંક્તિ સાર્થક કરી રહી છે ગુજરાતની આ યુવતી. આજે વિશ્વ મહિલા દિવસ છે ત્યારે આ યુવતીની વાર્તા માંડવી છે. તેનું નામ છે હસ્તી નાવડીયા.
સુરતના મોટા વરાછાની યુવતી હસ્તી નાવડિયા હાલ રેસિન આર્ટમાં અદભૂત કાઠું કાઢી રહી છે. સુરતમાં જ મોટી થયેલી હસ્તી નાવડિયાને નાનપણથી આર્ટ પ્રત્યે ખૂબ લગાવ હતો. અને તેને આ જ ઇન્ટરસ્ટ લઈ ગયો તેની મંજિલે. હસ્તી નાવડિયાએ સાઉથ ગુજરાત યૂનિવર્સિટીમાં ફાઇન આર્ટ્સ શીખવાનું શરૂ કર્યું. પરંતુ તેમાં હસ્તીને સંતોષ નહતો થતો. તેને કળામાં કંઈક અનેરું કામ કરવું હતું. તેણે વિચાર્યું કે, અભ્યાસ અને થિએરી કરતા કેમ પ્રેક્ટિકલ વર્ક ન કરવું? તેણે રેસિન આર્ટમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું.હસ્તી નાવડીયાએ 2021માં સ્વસ્તિક આર્ટ ગેલેરી શરૂ કરી. જેમાં તે રેસિન આર્ટ સાથે જોડાયેલી જુદી જુદી વસ્તુઓ બનાવે છે.
જોકે, આ સફર સરળ નહોતી રહી. હસ્તી નાવડીયાને પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. શરૂઆતમાં તેની કળા ખરીદનારા નહોતા મળતા. ઓર્ડર ખૂબ ઓછા આવતા. પણ હસ્તીએ હાર ન માની. તેણે પોતાનું કામ ચાલુ રાખ્યું. હસ્તી નાવડીયા નિયમિત તેને સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પોતાની બનાવેલી વસ્તુઓના ફોટોઝ મૂકતી રહેતી. શરૂઆતમાં એક, બે એમ ગ્રાહકો મળતા. ઓર્ડર બહુ ન આવતા, પણ હસ્તીએ નિરાશ થયા વિના પોતાના પ્રયત્નો ચાલુ રાખ્યા.
સ્વસ્તિક આર્ટ ગેલેરીની ફાઉન્ડર, સીઈઓ અને ડિરેક્ટર હસ્તી નાવડિયા અત્યારે રેસિન આર્ટમાં ફેન્સી ઘડિયાળ, મંત્ર ફ્રેમ, ફોટો ફ્રેમ, કિચન, ટ્રે, શોપિસ માટેની તમામ વસ્તુઓ, વગેરે તમામ વસ્તુઓ બનાવે છે. હવે ઓર્ડર પણ સારા પ્રમાણમાં મળે છે. ઉપરાંત હસ્તી નાવડિયા અત્યારે વિદ્યાર્થીઓ માટે વર્કશોપનું આયોજન કરે છે જે શનિ-રવિના હોય છે. અને તેમાં સારા પ્રમાણમાં લોકો ભાગ લે છે