સુરત : જિલ્લામાં પડેલા ભારે વરસાદ (Surat District Rain) અને દરિયાએ સુરત શહેરની 'સૂરત' બગાડી છે. ખાડીના કિનારાના વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકોને 2006ના વર્ષના પૂરની યાદ તાજી થઈ ગઈ છે. સુરતના માંગરોળ, કીમ, પલસાણા સહિતના વિસ્તારોમાં ત્રણ દિવસથી ભારે વરસાદ (Heavy Rain) પડી રહ્યો હોવાથી આ પાણી સુરતની ખાડી (Surat Creeks)ઓમાં આવે છે. જેના પગલે ખાડી ઓવરફ્લો થઈ છે. જેના પગલે કાંઠાની અનેક સોસાયટીઓમાં કમર સુધી પાણી ભરાયા છે. લિંબાયત ઝોન (Limbayat Zone)માં હાલત સૌથી વધારે ખરાબ છે. આ દરમિયાન મીઠી ખાડી વિસ્તારનો ડ્રોનનો નજરો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે મીઠી ખાડી વિસ્તારમાં રસ્તાઓ પણ પાણી નદીની જેમ વહી રહ્યું છે.
શા માટે સોસાયટીઓ પાણીમાં ગરક થઈ? : સુરતમાં હાલ અમુક વિસ્તારોમાં જે પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે તેનું કારણ ખાડીઓના કેચમેન્ટ વિસ્તારમાં સતત પડી રહેલો વરસાદ છે. આ તમામ પાણી સુરતની ખાડીઓમાં ભળે છે, જેના કારણે ખાડીના પાણી આ વિસ્તારોમાં ફરી વળ્યા છે. પાણી ભરાવાને કારણે આ વિસ્તારમાંથી 700થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેમજ પાણીમાં ફસાયેલા 162 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ પૂરને તાપી નદી સાથે કોઈ લેવાદેવા નથી.
ખાડીઓના પાણી લોકોના ઘર અને શેરીઓમાં ઘૂસી ગયા છે. સૌથી વધારે અસર લિંબાયત ઝોનમાં થઈ છે. લિંબાયત ઝોન ઓફિસમાં પણ પાણી ઘૂસી ગયા છે. સુરતના ઉપરવાસમાં જ્યારે પણ વધારે વરસાદ હોય ત્યારે આવી હાલત સર્જાતી હોય છે. સામાન્ય રીતે આ વિસ્તારોમાં ખાડીના પાણી ઘૂસી ગયા બાદ જો ઉપરવાસમાં વરસાદ ન હોય તો તે એક કે બે દિવસમાં ઓસરી જતું હોય છે.
હાલ તંત્ર તરફથી આ વિસ્તારમાં રહેતા અને ખાસ કરીને ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા લોકોને ઉપરના ફ્લોર પર ખસેડવામાં આવ્યા છે. તેમના માટે ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અમુક લોકોને નજીકની સ્કૂલોમાં ખસેડવામાં આવ્યા છે. તો અમુક લોકોને તેમના સંબંધીઓને ત્યાં પણ મોકલવામં આવ્યા છે. જે લોકો પાણીમાં ફસાયેલા છે તેમને ફાયર બ્રિગેડની બોટથી અન્ય જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે.
2006ના પૂરની યાદ તાજી થઈ : નોંધનીય છે કે 2006ના વર્ષમાં સુરતમાં શેરીઓ અને ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. આ વર્ષે ફરીથી આવી જ હાલત ઊભી થઈ છે. શહેરના લિંબાયત, બમરોલી, સરથાણા અને પરવત પાટીયામાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. બીજી તરફ ઉકાઈ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે. હવે સતત પડી રહેલા વરસાદને પગલે જો શહેરનું પાણી તાપી નદીમાં નહીં જઈ શકે તો અત્યારે કાંઠા વિસ્તારમાં જે સમસ્યા છે તે અનેક વિસ્તારોમાં સર્જાઈ શકે છે.
સોસાયટીઓમાં કમર સુધી પાણી ભરાયા : સુરતના નીચાણવાળા વિસ્તાર જેવા કે પરવત પાટીયાની માધવબાગ, મોડેલ ટાઉન, વીરદર્શન સોસાયટીઓના ઘરોમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. માધવબાગ સોસાયટીના લોકોના કહેવા પ્રમાણે રાત્રે સોસાયટીમાં પાણી ઘૂસી ગયા હતા. જે બાદમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા લોકોએ ઉપરના માળ પર કે અન્ય જગ્યાએ જવાની ફરજ પડી હતી. પાણીને કારણે લોકો પોતાના કિંમત અને ઘરવખરી બચાવવા માટે મહેનત કરી રહ્યા છે. બીજી તરફથી ખાડીના પાણીનો ઝડપથી નિકાલ થાય તે માટે મનપા કાર્યરત છે.