

ભરતસિંહ વાઢેર, વલસાડ : થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણી માટે ખાવા-પીવાનાં શોખીનો રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી ની મુલાકાત લઈ રહ્યા છે, દર વર્ષે દારૂ પીધેલી હાલતમાં લોકો પકડાય છે તો પણ શોકીન જીવડાઓને તો મનમાં એક જ ગ્રંથી છે કે, 31Stએ દારૂ પીવો એટલે પીવો જ અને દમણ જઈ પાર્ટી અને મોજમસ્તી કરી પરત ગુજરાતમાં ફરી રહ્યા છે. પરંતુ ગુજરાતમાં દારૂનો નશો કરી અને પરત ફરતા આવા શોખીનોને સબક શીખવવા માટે વલસાડ જિલ્લા પોલીસ ખડેપગે તૈનાત છે, અને શોખીનોને સબક શીખવાડવા દમણ અને ગુજરાતની બોર્ડર પર આવેલી ચેકપોસ્ટ પર વલસાડ જિલ્લા પોલીસ સપાટો બોલાવી રહી છે.


પોલીસના આ સપાટામાં 31 ડિસેમ્બરની સાંજ સુધી જિલ્લામાં 750થી વધુ પીધેલાઓ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. આમ જે શોખીનો ખાઈ પી અને મોજ મસ્તી કરી દમણ અને દાદરાનગર હવેલીમાંથી દારૂનો નશો કરી રાજપાઠમાં ગુજરાતમાં પ્રવેશતા પીધેલાઓ પોલીસની ઝપટે ચડ્યા હતા. આથી 2020નો છેલ્લો દિવસ પીધેલાઓ માટે યાદગાર દિવસ બની રહ્યો હતો. વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં પોલીસની કાર્યવાહીમાં કેટલા પીધેલા પકડાયા છે.


ક્યાં કેટલા પકડાયા - આંકાડાઓ પર એક નજર : વલસાડ શહેર પોલીસ સ્ટેશનમાં - 91, વલસાડ ગ્રામ્ય - 46, ડુંગરી પોલીસ સ્ટેશનમાં - 50, પારડી - 172, ધરમપુર - 21, કપરાડા - 15, નાનાપોંઢા - 33, ડુંગરા - 41, વાપી જી.આઇ.ડી.સી 44, વાપી ટાઉન - 77, ભીલાડ - 69, મરીન પોલીસ સ્ટેશન- 20 અને વલસાડ જિલ્લા એલ સી બી પોલીસે 22 પીધેલાઓને ઝડપ્યા હતા.


આમ સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીથી ગુજરાતમાં પ્રવેશતા તમામ ચેકપોસ્ટ પર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો, અને ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને બ્રીથ ઇંહેલાઇઝર દ્વારા તમામની તપાસ કરવામાં આવી હતી, જેમાં નશાની હાલતમાં ઝડપાયેલા પીધેલાઓને ઝડપી અને પોલીસ સ્ટેશન લઇ જઇ હવાલાતની હવા ખવડાવી પોલીસે શોખીન અને કાયદાનું ભાન કરાવ્યું હતું. તો પોલીસ સ્ટેશનનો પીધેલાઓથી ઉભરાતા પોલીસે પોલીસ સ્ટેશનની નજીક આવેલા અને ભાડે રાખેલા પાર્ટી પ્લોટ અને હોલ માં નશેડીઓ ને પૂરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.