

પ્રજ્ઞેશ વ્યાસ, સુરત : કોરોના દર્દીઓની સેવા દરમિયાન નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં નર્સિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતા કોરોના યોદ્ધા સુનિલભાઈ નિમાવત કોરોનાગ્રસ્ત બન્યા હતા, જેમનું દુઃખદ નિધન થતા કેન્દ્ર સરકાર દ્વારા મૃતકના પરિવારને રૂ.૫૦ લાખનો ચેક અર્પણ કરાયો હતો. આ ચેક પરિવાર માટે અટલા માટે મહત્વનો હતો કે, સનિલભાઇએ દિકરીને ડોકટર બનાવવા માટે ખાસ ફિલિપિન્સમાં એમબીબીએસમાં એડમિશન લીધું હતું. જેની ફી 25 લાખ રૂપિયા હતી. આ સહાયથી દિકરી ડોકટર પણ બનશે અને પરિવારને આર્થીક સહારો પણ મળશે.


નર્સીંગ એસોસીએશનનાં ઇકબાલ કડિવાલા અને તેમની ટીમ દ્વારા સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના જાગૃત્ત જનપ્રતિનિધિઓની રજૂઆત થકી કોરોના વોરિયર સ્વ. સુનિલ નિમાવતના પરિવારને આર્થિક આધાર મળી રહે એ માટે રજુઆત કરી હતી. જેથી કેન્દ્ર સરકાર દ્વારા રૂ.૫૦ લાખ રૂપિયાની તાત્કાલિક સહાય મંજુર કરી દેવામાં આવી હતી.


ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, સ્વ.સુનિલભાઈ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના હળવદના વતની હતા. સુનિલભાઈએ ૨૦૦૦-૨૦૦૧માં કચ્છ-ભુજના રાપરથી નર્સિંગ સ્ટાફ તરીકે કામગીરીની શરૂઆત કરી હતી. ત્યારબાદ પોરબંદર, હળવદ, ખરવાસા બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી હતી. સુનિલભાઈ નર્સિંગ સ્ટાફની જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવતા હતા. કોરોનાની મહામારી દરમ્યાન સમગ્ર ગુજરાતની સરકારી હોસ્પિટલ અને CHC-PHCમાં સેનેટાઈઝરની વહેંચણી કામગીરીની ખૂબ સરાહના થઈ હતી. તેઓ પોતાની નોકરીના ૧૯ વર્ષમાં કોઈ પણ ઇમરજન્સી સેવામાં ખડેપગે કામગીરી નિભાવતા હતા.


કોરોનાની શરૂઆતથી જ સુનિલભાઈએ ત્રણ રાઉન્ડમાં ફરજ બજાવી પરિવારથી દૂર રહી જીવન જોખમે કોરોના દર્દીઓના જીવન બચાવવામાં યોગદાન આપ્યું હતું. પોતે કોરોના સંક્રમિત થયા બાદ પણ એમના મુખે દર્દીઓના હાલચાલ બાબતના સવાલો રહ્યા કરતા હતા. સિવિલ હોસ્પિટલ જ નહીં, પણ રાજ્યભરના નર્સિંગ કર્મચારીઓથી લઈ ડોક્ટરો પણ સુનિલભાઈની કામગીરીમાંથી પ્રેરણા લઈ શકે એવી નિ:સ્વાર્થ સેવાભાવનાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.


ઉલ્લેખનીય છે કે, સુનિલભાઇનું અવસાન થતા પરિવાર દ્વારા સિવિલનું કવોટર્સ ખાલી કરી દેવામાં આવ્યું હતું અને અન્ય જગ્યાએ રહેવા માટે ગયા હતા. સુનિલભાઇની પત્ની જાગ્રુતીબેન હાઉસ વાઇફ છે જેથી પતિના પેન્સન થીત તેમણે બે બાળકોને ભણાવવાની તમામ કામગીરી કરવાની હતી. પરંતુ 19 વર્ષિય નંદનિને તેના પિતા મેડિકલ ફિલ્ડમાં મોકલવા માંગતા હતા અને ફિલિપિન્સમાં એમબીબીએસમાં પણ એડમિશન અપાવ્યું હતું. પરંતુ તેની 5 વર્ષ માટેની 25 લાખ ફિ ભરવાની બાકી હતી. જેથી પીતાના અવસાન બાદ દિકરી નંદનિને પણ તેને ડોકટર બનવાનું સ્વપ્ન રોળાયું હોઇ કેમ લાગતું હતું. પરંતુ પીતાના મોત બાદ સરકાર દ્વારા મળેલી સહાયને કારણે હવે પીતાનું સ્વપ્ન સકાર કરી ડોકટરની સ્ટડી પુર્ણ કરી શકસે. નંદનિને નાના ભાઇ ઓમ એ પણ હાલમાં જ ધોરણ 12ની પરિક્ષા આપી છે અને તે પણ મેડિકલ ફિલ્ડમાંજ જવા માંગે છે.