

કિર્તેશ પટેલ, સુરત : શહેરના ઉધના વિસ્તારમાં આવેલા કબ્રસ્તાનમાં કોઈ વ્યક્તિએ કબર સાથે ચેડા કર્યાંનું સામે આવ્યું છે. અહીં કોઈ અજાણ્યા લોકોએ બે કબરને માથાના ભાગ તરફથી ખોદીને મેલી વિદ્યા કરી હોવાની આશંકા પ્રબળ બની છે. કબરને ખોદ્યા બાદ અહીં આંખ વગરની એક ઢીંગલી તેમજ તાવીજ મૂકીને કોઈ વિધિ કરવામાં આવી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે આ કબ્રસ્તાનમાં ફક્ત રેલેવે કર્મચારીઓની જ અંતિમવિધિ કરવામાં આવે છે. કબરના ખાડાઓમાંથી આંખ વગરની ઢીંગલી મળતા ચકચાર મચી જવા પામી છે.


બનાવની વિગત પ્રમાણે શહેરના ઉધના રેલવે કબ્રસ્તાનમાં બે દિવસમાં બે કબર માથાના ભાગેથી ખોદાયેલી હાલતમાં જોવા મળી છે. આથી અહીં કોઈ મેલી વિદ્યા કરતું હોવાની આશંકા પ્રબળ બની છે. એટલું જ નહીં, કબરના ખોદાયેલા ભાગે આંખ વગરની તાવીજ વાળી ઢીંગલી મળી આવતા અનેક પ્રશ્નો ઊભા થયા છે. બ્રિટિશકાળ સમયના આ કબ્રસ્તાનમાં રેલવે કર્મચારીઓની જ દફન વિધિ થતી હોવાનું જાણવા મળ્યું છે.


મૃતક અલી મોહમ્મદના દીકરા રાજુભાઈએ આ મામલે જણાવ્યું હતું કે, મારા પિતાનું 27મી જુલાઈના રોજ નિધન થયું હતું. જે બાદમાં તેમને અહીં દફન કરાયા હતા. સોમવારે સવારે તેમની કબર માથાના ભાગે ખોદેલી હાલતમાં જોવા મળી હતી. અહીં એક ઢીંગલી પણ મળી આવી હતી. જેને જોતા લાગે છે કે અહીં કોઈ મેલી વિદ્યા કરવામાં આવી હશે.


સોમવારે આ બનાવ ધ્યાને આવ્યા બાદ એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે ફક્ત અલી મોહમ્મદ જ નહીં પરંતુ અન્ય એક કબરનો માથાનો ભાગ પણ ખોદવામાં આવ્યો છે. એક સાથે બે બનાવ ધ્યાનમાં આવ્યા બાદ આ મામલે મૃતકના દીકરા તરફથી ઉધના કબ્રસ્તાન એન્ડ મોહમ્મદી મસ્જિદના સંચાલક હાજી ચિનુભાઈને પણ વાત કરવામાં આવી હતી.


સુરતના જે કબ્રસ્તાનમાં આવો બનાવ બન્યો છે તે 150 વર્ષ જૂનું હોવાનું કહેવામાં આવે છે. કબ્રસ્તાનમાં આવા બનાવ બનવાની મૃતકના પરિવારે નિંદા કરી છે. નોંધનીય છે કે તાંત્રિકો સ્મશાન અને કબ્રસ્તાનમાં રાત્રે મેલી વિદ્યા કરતા હોય છે.