

પ્રજ્ઞેશ વ્યાસ, સુરત: હાલમાં સમગ્ર દેશમાં કોરોનાના નવા (Coronavirus India Updates) કેસ વધી રહ્યા છે. સુરત શહેર (Surat City Corona Updates)માં પણ કોરોનાનાં કેસ ઓછા થવાનું નામ નથી લેતા. જે પરિવારોમાં કોરોના આવ્યો છે તે પરિવારના બાકીના સભ્યો હવે તેમના સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ જાગૃત થયા છે. તેઓ કરોનાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છે. હવે કોરોના પોઝિટિવ (Corona Positive Case) આવ્યો હોય તેવા ઘરોના યુવાનો કસરતથી પોતાની ઇમ્યુનીટી (રોગપ્રતિકારક શક્તિ) વધારી રહ્યા છે. ખાસ કરીને યુવાનો પોતાના મનોરંજન સાથે ફેફસા મજબૂત થાય તેવી કસરત કરી રહ્યા છે. એમાં પણ ખાસ કરીને ઝૂમ્બા ફિટનેસ તરફ વળ્યા છે, જેમાં ડાન્સ સાથે હળવી કસરતો કરવામાં આવે છે.


છેલ્લા ઘણા સમયથી WHO સહિત ભારત સરકાર દ્વારા પણ કોરોનાકાળમાં કસરતનું મહત્ત્વ જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે યુવાનો આ બાબતે થોડા સજાગ ન હતા. પરંતુ જયારે તેમના ઘરોમાં કોરોના આવે છે ત્યારે તેઓ વધારે ધ્યાન રાખતા થઈ જાય છે. આ યુવાનો હવે ઝૂમ્બા ફિટનેસથી પોતાનો ઇન્યુનીટી પાવર વધારી રહ્યા છે.


હાલમાં કસરત પર ફોકસ કરી રહેલી ચિત્રા જણાવે છે કે મારા ઘરમાં કોરોના આવ્યો હતો. ત્યાર બાદ અમે પણ ઇમ્યુનીટી વધારવા માટેના પ્રયાસ કરી રહ્યા છીએ. ખાસ કરીને એવી કસરતો વધારે કરી રહ્યા છીએ કે જેનાથી ઇમ્યુનીટી વધે છે અને ફેફસા વધારે મજબૂત થાય છે.


ફિટનેસ ટ્રેનર સમર્થ પટેલનું કહેવું છે કે તેમની પાસે અત્યારે એવા સ્ટુડન્ટ્સ વધારે આવી રહ્યા છે જેમના ઘરે કોઇ કોવિડ પોઝિટિવ આવ્યું હોય અથવા તેઓ કોરોનાથી સાજા થયા હોય. હાલમાં કોરોનાની ગાઇડલાઇનને કારણે વધારે વિદ્યાર્થીઓ નથી લઇ શકતા પરંતુ ઓછા વિદ્યાર્થીઓને એક બેન્ચમાં યોગ્ય રીતે સેનિટાઇઝેશન કરીને અમે કસરત કરાવી રહ્યા છીએ. જેનાથી તેઓની રોગપ્રતિકારક શક્તિ વધે અને ખાસ કરીને ફેફસા વધારે સારી રીતે કામ કરે છે.


સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની પણ સતત કસરતને પ્રાધાન્ય આપી રહ્યા છે. તેમણે પણ જણાવ્યું હતું કે, દિવસ દરમિયાન હળવી કસરત કરવાથી કોરોનામાં ખૂબ જ ફાયદો થાય છે. ખાસ કરીને ફેફસા માટેની અને બોડી ઇમ્યુન કરવાની કસરતો વધારે સારી રીતે ફાયદો આપી શકે છે. આ લોકો કોરોના સામે રક્ષણ પણ મેળવી શકે છે.