

કિર્તેશ પટેલ, સુરત: સુરત શહેરના લાલગેટ વિસ્તાર (Lalgate area)માં રહેતી એક મહિલાએ તેના પતિના મિત્ર સામે ફરિયાદ આપી છે. મહિલાના પતિનો મિત્ર તેણીના એક તરફી પ્રેમ (One sided love)માં પાગલ હતો અને તેણીને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. મહિલા તેના તાબે ન થતાં પતિના મિત્રોએ તેણી પર એસિડ અટેક (Acide attack) કરવાની ધમકી આપી હતી. આ મામલે મહિલાએ આખરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


સુરત શહેરમાં છેલ્લા થોડા સમયથી મહિલાઓની છેડતી અને દુષ્કર્મની ઘટના સતત સામે આવી રહી છે. સુરતના જ એક કેસમાં એક યુવકે એક મહિલાને પામવા માટે તેણી પર એસિડ અટેકની ધમકી આપી છે. સુરતના લાલગેટ વિસ્તરમાં રહેતી અને નોકરી કરીને પરિવારને આર્થિક મદદ કરતી મહિલાને અન્ય કોઈ નહીં પરંતુ તેના પતિના મિત્રએ જ એસિડ અટેકની ધમકી આપી છે. ચોકબજાર ખાતે રહેતો એહતેશામ ઉર્ફ જાવીદ હોટેલવાલા ફરિયાદી મહિલાના પતિનો મિત્ર છે. ફરિયાદી મહિલા આરોપીની પત્નીની સારી મિત્ર હોવાથી તેણી અવારનવાર આરોપીના ઘરે જતી હતી. જોકે, છેલ્લા કેટલાક સમયથી એહતેશામ આ મહિલાને ખરાબ નજરથી જોવા લાગ્યો હતો. આ ઉપરાંત તેણે પતિ-પત્ની વચ્ચે ઝઘડા કરાવવાના શરૂ કરી દીધા હતા.


આ દરમિયાન યુવાન ફરિયાદી મહિલાને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. મહિલા તેના તાબે ન થતાં મહિલાને સતત કહેતો હતો કે, તારો યાર કોન છે તે શોધીને જ રહીશ. દરમિયાન આ બાબતે યુવાન તરફથી મહિલાના પતિના કાન પણ ભરવામાં આવ્યા હતા. આથી મહિલાનો પતિ પણ મહિલા પર શંકા કરવા લાગ્યો હતો. આ શંકાને લઈને તેનો પતિ તેણીને છૂટાછેડા આપવાનું કહેતો હતો. બીજી તરફ એહતેશામ ફરિયાદી મહિલાને કહે તો હતો કે, તારા પતિને ડિવોર્સ આપી દે, હું તને અપનાવી લઈશ.


એટલું જ નહીં, એહતેશામ મહિલાની ઓફિસ સુધી પહોંચી જઈને ફોન કરતો હતો. આરોપી મહિલાને કહેતો હતો કે, આપણે ગેસ્ટહાઉસમાં જઈશું. જોકે, મહિલા આરોપી યુવાનની વાત માનતી ન હતી. આથી એક દિવસ યુવાને મહિલાને કહ્યું હતું કે, 'મારી વિરુદ્ધ નવસારીમાં અપહરણનો ગુનો દાખલ થયેલો છે. તને ઊંચકી જતા વાર નહીં લાગે. તને કોઈ પણ હિસાબે પામવી છે.' (પ્રતીકાત્મક તસવીર)


મહિલા જ્યારે આ હરકતો વિશે તેની મિત્ર અને યુવકની પત્નીને ફરિયાદ કરવા ગઈ હતી ત્યારે યુવાને ફરિયાદ સાથે મારામારી કરી હતી. બાદમાં ફરિયાદી એહતેશામે મહિલાને ધમકી આપી હતી કે, જો મારી નહીં થાય તો અકસ્માત કરાવીને મરાવી દઇશ અથવા મોઢા પર એસિડ ફેંકી દેશે. આખરે મહિલાએ યુવકની સતત પઝવણી અને છેડતીથી પરેશાન થઈને એહતેશામ વિરુદ્ધ લાલગેટ પોલીસ સ્ટેશનમાં એસિડ એટેકની ધમકી અને છેડતીની ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે.