

સુરત: સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હૉસ્પિટલ (Smimer hospital) ફરી એકવાર વિવાદમાં આવી છે. અહીં એક વડીલ છેલ્લા એક મહિનાથી પોતાના ઑપરેશન (Operation) માટે ધક્કા ખાઈ રહ્યા છે. હૉસ્પિટલમાં ઓપરેશન ટીમના બે તબીબોના અંદરો અંદરના ઝઘડાને લઈને આ દર્દીને ઑપરેશન માટે એક મહિના સુધી રઝડાવવામાં આવ્યા છે. બંને આંખે જોઈ ન શકતા અને સતત પરેશાન થતાં દર્દીની વિગત ન્યૂઝ18 ગુજરાતીને મળતા અમે વૃદ્ધની તકલીફ મનપા કમિશનર સુધી પહોંચાડી હતી. ન્યૂઝ 18ના અહેવાલ બાદ મનપા કમિશનરે આધેડને સારવાર માટે ખાતરી આપી છે.


સુરત મનપા આમ તો કોરોના કામગીરીમાં સતત આગળ રહી હતી. શહેરના લોકોને ઓછી મુશ્કેલી પડે તેવી વ્યવસ્થા મનપાએ કરી હતી. જોકે, આ દરમિયાન એવોર્ડ વિજેતા મનપા સંચાલિત સ્મીમેર હૉસ્પિટલ ફરીથી વિવાદમાં આવી છે. અહીં એક દર્દીને સારવાર માટે એક મહિનાથી રઝળાવવામાં આવી રહ્યા હતા. આ મામલે વૃદ્ધના પરિવારે સુરત મનપાના કમિશનરને લેખિતમાં રજુઆત કરી હતી.


કેસની વિગત જોઈએ તો સુરતના ઋસ્તમપુરા વિસ્તારમાં રહેતા અને બંને આંખે જોઈ ન શકતા કનૈયાલાલ ઉપાધ્યાયને પિતાસયની તકલીફ હોવાથી ઑપરેશન માટે ગત મહિનાની 28 તરીકે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. અહીં ઑપરેશન માટે તારીખ ચોથી ડિસેમ્બરની રોજ આપવામાં આવી હતી. ચોથી તારીખે ઑપરેશનમાં લઈ ગયા બાદ બે તબીબો વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આથી વૃદ્ધનું ઑપરેશન રદ કરવામાં આવ્યું હતું.


જે બાદમાં ઑપેરશન માટે અનેક વખત તારીખ આપવામાં આવી હતી. જોકે, ઑપરેશન ન કરાતા વૃદ્ધને ધક્કા ખવડાવવામાં આવતા હતા. પરિવરે આ બાબતે પૂછતાં હૉસ્પિટલમાં ઑપરેશન માટેના સાધનો ન હોવાનું બહાનું આપવામાં આવ્યું હતું. જે બાદમાં વૃદ્ધને ઑપરેશન માટે અમદાવાદ જવું પડશે તેમ કહીને કાઢી મૂક્યા હતા.


સતત પરેશાના બાદ વૃદ્ધના પરિવારે ન્યૂઝ18 ગુજરાતીનો સંપર્ક કર્યો હતો. જે બાદમાં પરિવારને લેખિત ફરિયાદ સાથે મનપા કમિશનર ઑફિસ ખાતે લઈ જવામાં આવ્યો હતો. પરિવારની તકલીફ અંગે મનપા કમિશનરને માહિતગાર કરવામાં આવ્યા હતા. જે બાદમાં મનપા કમિશનરે વૃદ્ધની સારવાર માટે ખાતરી આપી હતી.


કમિશનર તરફથી મદદની ખાતરી મળ્યા બાદ પરિવારે ન્યૂઝ18 ગુજરાતીનો આભાર માન્યો હતો. પરિવારના કહેવા પ્રમાણે કમિશનરે સરકારી કે ખાનગી કોઈ પણ હૉસ્પિટલમાં સારવાર કરાવવી હોય તેના માટે તંત્ર મદદ કરશે તેમ જણાવ્યું છે.