

કિર્તેશ પટેલ, સુરત : શહેરના (Surat) અડાજણ-હજીરા રોડ પર આવેલા ચાર રસ્તા પાસે ટાઈટેનિયમ સ્કવેર બિલ્ડીગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા SBI (સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા) બેંકના ATM મશીનમાંથી તસ્કરે ચોરી કરી છે. ભર બપોરે થયેલી ચોરીમાં તસ્કરે રેઈનકોટ પહેરીને માથે છત્રી રાખીને ATM રૂમમાં પ્રવેશ કરીને 24,20,500ની ચોરી કરીને નાસી જાય છે. આ અંગે બેંકના મેનેજર દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. જેના આધારે અડાજણ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.


સુરતમાં કોરોના લોકડાઉન બાદ શહેરમાં સતત ગુનાખોરી વધી રહી છે. ત્યારે સુરતના અડાજણ મેઈન રોડ પર આવેલા એક બેંકના એટીએમને નિશાન બનાવવાની ઘટના સામે આવી છે. અડાજણ મેઈન રોડ પર આવેલી એસબીઆઈ બેંકનાં મેનેજર તરીકે ફરજ બજાવતા અને જહાંગીરપુરામાં આવેલા સુભાષ ગાર્ડનની પાસે રહેતા SBI બેંકના બ્રાંચ મેનેજર રણજીતભાઈ ગોપાલભાઈ વસાવાએ અડાજણ પોલીસમાં ફરિયાદ આપી હતી.


ફરિયાદ મુજબ ગત 23મી ઓગસ્ટના રોજ બપોરે 2 વાગ્યેને 38 મિનિટે અડાજણ ચાર રસ્તા પાસે ટાઈટેનિયમ સ્કેવર બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર SBI બેંક અડાજણ શાખાની બાજુમાં ATM મશીન આવેલુ છે. જેમાં તસ્કર રેઈનકોટ પહેરીને માથા પર છત્રી રાખીને પ્રવેશ્યો હતો. તેણે ATM મશીનમાં રાખવામાં આવેલા 28,09,600 રૂપિયામાંથી 24,20,500ની મતાની ચોરી કરી હતી. આ સમગ્ર ચોરીની ફરિયાદ બેંકના મેનેજર દ્વારા કરવામાં આવતાં અડાજણ પોલીસ સાથે ઉચ્ચ અધિકારી કાફલો બનાવવાળી જગ્યા પર પોંહચીને તપાસ શરુ કરી છે.


જોકે, બેંક મેનેજરે પોલીસને જાણકારી આપતા જણાવ્યુ હતું કે, 21 તારીખે રજા હોવા છતાં તેઓ બેંક જઈને ATMમાં રૂપિયા નાખવા માટે ગયા હતાં. બાદમાં 25મીએ સહકર્મી દ્વારા જાણ કરાઈ હતી કે, અમુક ATMમાંથી રૂપિયા નીકળતા નથી. પાંચેક મશીનમાંથી રૂપિયા ન નીકળતા હોવાનું ઓનલાઈન જાણવા મળ્યું હતું. બાદમાં તપાસ કરતાં અડાજણ હજીરા રોડ પરની બેંકના ATMની તપાસ દરમિયાન 24 લાખથી વધુની મતા હિસાબમાં ઓછી દેખાતી હતી.