કિર્તેશ પટેલ, સુરત : શહેરના પુણા ખાતે એક પરિણીતાએ પોતાની ત્રણ વર્ષની દીકરી સાથે આપઘાત કરવાના કેસમાં મૃતકના પિતાએ તેના જમાઇ આશિષ, સસરા દેવેન્દ્ર સાસુ રચના, જેઠ અભિષેક, જેઠાણી નિકિતા સામે આપઘાતની દુષ્પ્રેરણા અને દહેજની ફરિયાદ નોંધાવી છે. એવી માહિતી મળી છે કે કોમલ અને આશિષે પ્રેમ લગ્ન કર્યા હતા. એવી પણ વિગત સામે આવી છે કે કોમલના પિતાએ તેને આઠ લાખ રૂપિયાનું કરિયાવર આપ્યું હતું. હવે આ મામલે આપઘાત કરનાર કોમલની એક સુસાઇડ નોટ આવી છે. જોકે, આ સુસાઇડ નોટમાં અનેક વિરોધાભાષ જોવા મળી રહ્યા છે. કોમલના પરિવારના લોકો આપઘાત માટે સાસરીયાને જવાબદાર ગણાવે છે જ્યારે કોમલે સુસાઇડનોટમાં પોતાની મરજીથી આપઘાત કરી રહ્યાનું લખ્યું છે.
શું હતો બનાવ: સુરતના પુણા ગામ ખાતે એક મહિલાએ બાળકી સાથે કરેલા આપઘાત પ્રકરણમાં પોલીસે સાસરિયા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. મહિલા આપઘાત પાછળ દીકરીનો જન્મ કારણભૂત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એવી પણ માહિતી મળી છે કે આપઘાત કરનાર કોમલની ડિલિવરીનો ખર્ચો પણ તેના પિતા પાસે માંગ્યો હતો. કોમલને દીકરીનો જન્મ થયો ત્યારે તેઓએ કોમલને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપીને ફરીથી કરિયાવર માંગતા 1 લાખનું સોનું-ચાંદી અને કપડાં આપ્યા હતા.
એવો પણ આક્ષેપ થયો છે કે 2018માં કોમલને તેના સસરાએ તમાચો પણ માર્યો હતો. આઠેક મહિના પહેલા કોમલના પતિ આશિષે સસરા પાસે 5 લાખ માંગ્યા હતા.1 5 ઓગસ્ટના રોજ કોમલ અને તેની જેઠાણી વચ્ચે ઝઘડો થતા જેઠાણીએ કોમલની હાથની આંગળી મચકોડી નાખી હતી. જે બાદમાં 18મી તારીખે બપોરે સાડા ત્રણ વાગે કોમલે આશિષને ફોન કરીને કહ્યું કે, "મને માફ કરજો હું જાવું છું." પતિને ફોન કર્યા બાદ કોમલે દીકરી સાથે આત્મહત્યા કરી લીધી હતી.