સુરતમાં અનેક ગેંગ સામે પોલીસે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું છે. જેમાં વધુ એક ગેંગનો ઉમેરો થયો છે. વેડરોડના ડોન સૂર્યા મરાઠીની હત્યા કરીને ચર્ચામાં આવેલો રાહુલ એપાર્ટમેન્ટ છેલ્લા કેટલાક સમયથી પોલીસને હાથતાળી આપી રહ્યો હતો. ફરાર રહેતો ત્યારે જ રાહુલના ભાઇ અજય ઉર્ફે સિદ્ધાર્થ, પ્રશાંત, વિપુલ ઉર્ફે નાગ્યો, વૈભવ ઉર્ફે પ્રથમ મળી ઓગસ્ટ મહિનામાં ઉધનામાં હરિનગરની પાછળ સોનલ ઇન્ડસ્ટ્રીઝ પાસે માથાભારે ગુરજીતસિંઘ ઉર્ફે કાળુ ભાવસિંગ ચકલીગરની હત્યા કરી નાંખી હતી.
કાળુની હત્યા રાહુલ એપાર્ટમેન્ટના ઇશારે જ કરવામાં આવી હોવાનું અને તે જ આ હત્યાનો સૂત્રધાર હોવાનું પોલીસની તપાસમાં બહાર આવતાં ઉધના પોલીસ શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન ચાર દિવસ પહેલાં ઉધના પોલીસનો સ્ટાફ પીઆઇ દેસાઇના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસ કર્મીઓ આનંદ રત્નાભાઇ અને શૈલેષ સોમાભાઇએ બાતમીના આધારે કામરેજ ચાર રસ્તાથી પકડી પાડ્યો હતો. બનાસકાંઠા સ્થિત યાત્રાધામ અંબાજી ખાતે માતાજીના દર્શન કરી પરત ફર્યો હતો ત્યારે પોલીસે કામરેજ ખાતે તેને દબોચી લીધો હતો.
રાહુલ એપાર્ટમેન્ટ, તેના ભાઈ અજય, નાગીયો, પ્રશાંત, પ્રથમ સામે ઉધના પોલીસે ગુજસીટોક અંતર્ગત ગુનો નોધવા માટે કોર્ટમાં રિપોર્ટ કર્યો હતો. કોર્ટની મંજૂરી મળી જતા સોમવારે રાહુલ અને તેની ગેંગ સામે હત્યાની સાથે ગુજસીટોકની કલમનો પણ ઉમેરો કરાયો છે. રાહુલના આવતીકાલે રિમાન્ડ લેવાશે જ્યારે અન્ય ચાર આરોપી હાલ જેલમાં છે. રાહુલ સામે હત્યા, હત્યાની કોશિશ મારામારી, આર્મ્સ એકટ સહિતના ૧૨ ગુના નોંધાઇ ચૂક્યા છે. તેની સામે પાસા અંતર્ગત પણ કાર્યવાહી થઇ ચૂકી છે.