

કિર્તેશ પટેલ, સુરત : શહેરના પાંડેસરા વિસ્તાર (Surat Pandesara Area)માં પોતાની ફરજ પર હાજર મનપાના સફાઈ કામદાર (SMC Sweeper) પર બે અજાણ્યા વ્યક્તિઓએ ચાકુ વડે જીવલેણ (Attack with Knife) હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. બંને વ્યક્તિ મનપાના સફાઇ કામદારને 35થી 40 જેટલા ચપ્પુના ઘા મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત (Injured) કામદારને સારવાર અર્થે ખાનગી હૉસ્પિટલ (Private Hospital)માં ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરુ કરી છે.


સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ 120 ફુટ રોડ પર પ્રમુખ ફરસાણ માર્ટની પાછળ સર્વોદયનગર સોસાયટી પાસે મનપાના સફાઈ કામદાર પોતાની ફરજ પર હાજર હતો ત્યારે બાઈક પર આવેલા બે ઈસમોએ તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. ગવલેસ ભગત નામના સફાઈ કામદાર પર 35 થી 40 ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા. હુમલાના કારણે સફાઈ કામદાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.


હુમલા બાદ હુમલાખોર યુવાનો ચપ્પુ અને બાઈક મૂકીને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ઘટનાને પગલે કર્મચારી સાથે કામ કરતા અન્ય કર્મચારી દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા કર્મચારીને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતા.


ઘટના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. હુમલો કરનારા યુવાનો લુખ્ખાગીરી કરતા હોવાનું સામે આવ્યું છે. આ યુવાનો અમદાવાદ અને બરોડાથી તડીપાર કરવામાં આવ્યા છે, હાલ બંને સુરતમાં રહે છે. ઘટનાની જાણકારી મળતા મનપા સફાઈ કર્મચારી મોટી સંખ્યામાં ખાનગી હૉસ્પિટલ ખાતે એકત્ર થઈ ગયા હતા.


પોલીસે અલગ અલગ બે ટીમ બનાવીને આરોપીની શોધખોળ શરુ કરી છે. આ ઈસમો સાથે સફાઈ કર્મચારી બે દિવસ પહેલા ઝઘડો થયો હોવાનું પણ સામે આવ્યું છે. આથી અદાવત રાખીને હુમલો કરવામાં આવ્યો હોવાની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.