

કિર્તેશ પટેલ, સુરત: સુરત શહેર (Surat City)માં છેલ્લા કેટલાક સમયથી સતત ફાયર સેફ્ટી (Fire saftey)ને મુદ્દે નોટિસ આપ્યા છતાં કેટલીક સંસ્થા અથવા સ્કૂલો (Schools)એ ફાયર સેફ્ટી નહીં ઊભી કરતા હવે ફાયર વિભાગ (Fire department) તરફથી આકરા પગલાં લેવામાં આવ્યા છે. આ અનુસંધાને ફાયર વિભાગે 10 જેટલી સ્કૂલોને સીલ કરી દીધી છે. સુરતમાં આજથી બે વર્ષ પહેલા સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેટમાં આગ લાગી હતી. આ આગમાં 20 બાળકોનાં મોત થયા હતા. જે બાદમાં તંત્ર તરફથી ફાયર સેફ્ટી મુદ્દે મોટા પ્રમાણમાં કામગીરી કરવામાં આવી હતી.


સુરતમાં આગ લાગ્યા બાદ તંત્રને ખ્યાલ આવ્યો હતો કે અનેક જગ્યા પર ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા જ નથી. આવી મિલકતોને તંત્ર તરફથી ફાયર સેફ્ટી ઊભી કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ મામલે તમામને નોટીસો પણ પાઠવવામાં આવી હતી.


શહેરમાં આવેલી આવી મિલકતોને એક કરતા વધુ વખત નોટીસ આપવા છતાં તેમના તરફથી આજ દિવસ સુધી ફાયર સેફ્ટી ઊભી કરવામાં આવી નથી. આ મામલે હવે તંત્ર તરફથી લાલ આંખ કરવામાં આવી છે. આ મામલે એક અઠવાડિયા પહેલા શહેરની 1 હજાર કરતા વધુ દુકાનો તંત્રએ સીલ કરવાની કાર્યવાહી કરી હતી.આજે ફરી એકવાર ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ વખતે કાપડ માર્કેટ કે કોઈ આર્કેટ નહીં પરંતુ સ્કૂલો સામે લાલા આંખ કરીને 10 જેટલી સ્કૂલોને સીલ કરી દેવામાં આવી છે.


સ્કૂલોમાં સિલિંગની કાર્યવાહી શરૂ કરતા જ સંચાલકો દોડતા થયા છે. સુરત વિભાગે જ સ્કૂલો સામે કાર્યવાહી કરી છે તેની યાદી આ પ્રમાણે છે. 1) સ્વામીનારાયણ પરમસુખ વિદ્યા સ્કૂલ, સિમાડા ગામ, વરાછા. 2) સાધના નિકેતન સ્કૂલ કારગીલ ચોક, વરાછા. 3) સ્કોલર ઇંગલિશ સ્કૂલ, પાંડેસરા. 4) અંકુર વિદ્યાલય, કતારગામ. 5) યોગી વિદ્યાલય, કતારગામ. 6) ગુરુકૃપા પ્લે ગ્રુપ અને નર્સરી સ્કૂલ, સગરામપુરા. 7) પિંકલ પ્લે ગ્રુપ, સગરામપુરા. 8) શ્રી ગોરધનદાસ સોનાવાલા મણિબા વિદ્યાલય, ગોપીપુરા. 9) શ્રી સુરચંદ પાનાચંદ ઝવેરી ગર્લ્સ હાઈસ્કૂલ, ગોપીપુરા. 10) શ્રી કેશ જોશ ડાયમંડ જયુંબલી પ્રાઇમરિ સ્કૂલ, શાહપોર.