સુરત: શહેરનાં ડિંડોલી વિસ્તારમાં આવેલ કેવલ આવાસમાં રહેતી 27 વર્ષીય મહિલાએ આપધાત કરી લીધાની ઘટના સામે આવી છે. આ મહિલાનું નામ ચાંદની સંતોષકુમાર મોરિયા છે. મહિલાએ ગતરોજ સાંજે પોતાના ત્રણ મહિનાનાં બાળકને દૂધ પીવડાવી સુવડાવી પોતાનાં રૂમમાં જઈ પંખા પર દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર મામલે ડિંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી આપઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહિલા રૂમમાં લટકતી હતી અને બીજા રૂમમાં બાળક રડી રહ્યો હતો. - આ મામલે મૃતકનાં પરિવારજનનાં કહેવા પ્રમાણે ગતરોજ સાંજે હું જોબ પરથી આવ્યો ત્યારે ઘરની જાળી અંદરથી બંધ હતી અને અંદર જોરજોરથી બાબુનો રડવાનો અવાજ આવતો હતો મેં બુમ પાડી પરંતુ કોઈએ સાંભળ્યું નહીં. અંતે મેં મારા પાડોશીઓને બોલાવીને જાળી તોડી અંદર ગયો ત્યારે ભાભી રૂમમાં લટકતા હતા અને બીજા રૂમમાં બાબુ રડી રહ્યો હતો. મેં તાત્કાલિક બાબુને ઉચકીને મમ્મીને આપ્યું અને ભાભી નીચે ઉતાર્યાં અને 108ને બોલાવી હતી. પરતું 108 આવતા મોડું થયું હતું જેથી અમે ઓટો રિક્ષામાં જ ભાભીને સિવિલ હોસ્પિટલ લઇ જવા માટે નીકળ્યા હતાં. ત્યારે 108 આવી હતી ત્યાંથી અમે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવતા અહીં ફરજ પરના ડોક્ટરે ભાભીને મૃત જાહેર કર્યા હતા.
કેમ તેણે ત્રણ મહિનાનાં બાબુ વિશે પણ ના વિચાર્યું- મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું છે તે પરિવારને ખ્યાલ જ નથી. આ પગલું ભરતા પહેલાં ત્રણ મહિનાનાં બાળક વિશે પણ ન વિચાર્યું શું થઈ ગયુંને તેણીએ અચાનક આ પગલું ભર્યું મહત્વની વાત એ છે આખી રાત બાળક પોતાના માતાનાં દૂધની રાહ જોવી છે અને ખૂબ રડતો પણ હતો. પરિવાર અને આજુ બાજુનાં લોકો બાળકનો ખ્યાલ રાખી રહ્યાં છે. હાલ પોલીસે મહિલાએ કેમ આપધાત કર્યો તે મામલે તપાસ શરૂ કરી છે.