સુરત માતા-પુત્રનો આપઘાત: સુસાઇડ નોટમાં લખ્યું- 'મકાન હોવા છતાં ભાડાના મકાનમાં રહું છું, લોનમાં ફસાયો છું'
સુરતમાં મંગળવારે માતા-પુત્રએ એક જ હુક સાથે દોરી બાંધીને આપઘાત કરી લીધાના બનાવ સામે આવ્યો. સુસાઇડ નોટમાં યુવકે આપઘાત માટે કોઈનો વાંક ન હોવાનું લખ્યું હતું.


સુરત: શહેરમાં ગઈકાલે માતા અને પુત્રએ સાથે ગળેફાંસો (Mother son hang selves at home) ખાઈને આપઘાત કરી લીધાનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ હતી. જે બાદમાં પોલીસે ગુનો નોંધીને આપઘાતના કારણની તપાસ શરૂ કરી છે. આ દરમિયાન પોલીસના હાથે લાગેલી સુસાઈડ નોટ (Suicide note)માં યુવકે એવો ઉલ્લેખ કર્યો છે કે હું લોન (Loan)માં ફસાયો છું. મારા ગયા પછી કોઈને હેરાન કરવામાં આવે નહીં. આ કેસમાં પોલીસની પ્રાથમિક તપાસમાં અન્ય કેટલીક મહત્ત્વના ખુલાસા થયા છે. એવી પણ વાત સામે આવી છે કે આપઘાત કરી લેનાર યુવક છેલ્લા બે ત્રણ દિવસથી તેના એક મિત્રને આપઘાત કરી લેવા અંગે વાત કરતો હતો.


મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં સોમવારે માતા-પુત્રએ એક એક હુક સાથે દોરડું બાંધીને ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. એવી માહિતી મળી છે કે 15 દિવસ પહેલાં જ આપઘાત કરી લેનાર યુવકની પત્ની તેની નાની દીકરીને લઈને પિયર જતી રહી હતી. મૃતક મહર્ષિ પરેશભાઈ પારેખ પીપલોદ મિલાનો હાઈટ્સમાં રહેતા હતા અને ઓનલાઈન પે એપ્લિકેશન કંપનીમાં નોકરી કરતા હતા. અહીં તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા. તેમનો પોતાનું મકાન બાલાજી રોડ ખાતે આવેલું છે.


સુસાઈટ નોટ મળી આવી: માતા સાથે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેનાર મહર્ષિએ સુસાઈડ નોટમાં લખ્યું છે કે, "મારું પોતાનું ઘર હોવા છતાં ભાડાના ઘરમાં રહું છું. હું લોનના ચક્કરમાં ફસાઈ ગયો છું. આ કારણે હું આવું પગલું ભરું છું. આપઘાત માટે હું જ જવાબદાર છું. કોઈની પૂછપરછ કરવી નહીં. મારો વાંક છે પણ મને બદનામ નહીં કરતા." આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.


મિત્રને આપઘાતની વાત કરી હતી: એવી પણ માહિતી મળી છે કે મહર્ષિએ તેના એક અંગત મિત્રને આપઘાત કરી લેવાની વાત કરી હતી. બે ત્રણ દિવસથી તે મિત્ર સમક્ષ આવી વાત કરી રહ્યો હતો. આ દરમિયાન મહર્ષિના મિત્રએ સાંજે તેને ફોન કર્યો હતો. મહર્ષિએ ફોન ન ઉપાડતા તે તેના ઘરે દોડી ગયો હતો. આ દરમિયાન મહર્ષિએ તેની માતા સાથે આપઘાત કરી લીધાનો જાણવા મળ્યું હતું. જે બાદમાં પોલીસને જાણ કરવામાં આવ્યો હતો.


મહર્ષિએ બીજા લગ્ન કર્યા હતા: એવી પણ માહિતી મળી છે કે આપઘાત કરી લેનાર મહર્ષિએ બીજા લગ્ન કર્યા હતાં. પ્રથમ પત્નીથી તેણે છૂટાછેડા લીધા હતા. બીજા લગ્નથી તેને એક દીકરી હતી.15 દિવસ પહેલા મહર્ષિની પત્ની તેના પિયરમાં ચાલી ગઈ હતી. એવી પણ માહિતી મળી છે કે મહર્ષિના કહેવા છતાં તેની પત્ની પરત આવી રહી ન હતી. લોનના ચક્કરમાં ફસાયેલા મહર્ષિએ આપઘાતનો વિચાર કરી લીધો હતો પરંતુ તેના ગયા બાદ માતાનું શું થશે તેવું વિચારીને માતાએ પણ સાથે આપઘાત કરી લીધો હોવાનું પોલીસ અનુમાન છે.