સુરત : સુરત જિલ્લા (Surat District Rain)માં સતત મેઘ મહેરને કારણે સુરત શહેરની ખાડી વિસ્તારની આસપાસ રહેતા લોકોની હાલત કફોડી બની છે. કારણ કે ઉપરવાસમાં વરસાદને પગલે આ તમામ પાણી ખાડીમાં આવે છે. જેના પગલે ખાડીનું જળસ્તર વધ્યું છે. ખાડી (Creek)ના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી લિંબાયત વિસ્તાર (Surat Limbayat Area)ના લોકોના માથે મોટી આફત આવી છે. મીઠી ખાડી (Meethi Creek) અને કમરુનગર રોડ પર પાણી ફરી વળ્યા છે. લોકોના ઘરો અને રસ્તા પર પાણી ફરી વળ્યા છે. એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી કે પાણીનું સ્તર ઘટી જશે પરંતુ તેના બદલે શનિવારે પાણીનું સ્તર વધી રહ્યું છે.
શુક્રવાર કરતા શનિવારે હાલત બગડી : મીઠી નદીનું પાણી લિંબાયતના વિસ્તરોમાં ફરી વળતા અહીં હાલત કફોડી બની છે. કમરુનગર ખાતે ગઈકાલે કમરડૂબ પાણી હતું પરંતુ હવે આ પાણી વધીને માથાડૂબ થઈ ગયું છે. જેવા પગલે મીઠા ખાડી કમરુનગર રોડ બંધ થઈ ગયો છે. અહીં કોર્પોરેશન તરફથી બે બોટ મૂકવામાં આવી છે જે પાણીમાં ફરે છે અને પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢે છે.
લોકો જાતે જ સ્થળાંતર કરવા લાગ્યા : કમરુનગર ખાતે માથાડૂબ પાણી થઈ જતા હવે લોકો જાતે જ સામાન સાથે સ્થળાંતર કરવા લાગ્યા છે. જે લોકોને ઉપરના માથે રહેવાની વ્યવસ્થા છે તેઓ ઉપરના માથે ચાલ્યા ગયા છે, અને જે લોકોને કોઈ વ્યવસ્થા નથી તેમને સ્કૂલોમાં આસરો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત આ લોકો માટે તંત્ર અને સામાજિક સંસ્થાઓ તરફથી ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે. શનિવારે જોઈ શકાતું હતું કે પાણી છતાં રસ્તા પર લોકોની ભીડ જામી હતી. લોકો માથા પર સામાન લઈને સલામત સ્થળે જઈ રહ્યા હતા.
રાદેર-સિંગણપોરને જોડતો કોઝવે ઓવરફ્લો : ઉકાઈ ડેમમાંથી પાણીની આવક વધવાને પગલે સુરતના રાંદેર અને સિંગણપોરને જોડતો કોઝવે ઓવરફ્લો થઈ ગયો છે. હાલ નદીમાં ઉકાઈ ડેમમાંથી 70 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કોઝવે 2.38 મીટર ઉપરથી વહી રહ્યો છે. જોકે, ઉપરવાસમાં વરસાદનું ઝોર ઘટતા થોડા સમયમાં રાહત થવાના સમાચાર છે.
શનિવારે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન સુરત જિલ્લામાં પડેલા વરસાદના આંકડા જોઈએ તો બારડોલીમાં 3.48 ઇંચ, ચોર્યાસીમાં 3.08 ઇંચ, કામરેજમાં 6.96 ઇંચ, ઓલપાડમાં 4 ઇંચ, પલસાણામાં 2.6 ઇંચ, મહુવામાં 3.12 ઇંચ, માંડવીમાં 4.32 ઇંચ, માંગરોળમાં 8 ઇંચ, ઉમરપાડામાં 5.88 ઇંચ અને સુરત શહેરમાં 5.64 ઇંચ વરસાદ પડ્યો છે.
કિમ નદી બે કાંઠે : ભારે વરસાદને પગલે ઓલપાડ અને માંગરોળ તાલુકામાંથી પસાર થતી કિમ નદી બે કાંઠે વહી રહી છે. જેના પગલે નદી કિનારે આવેલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. એનડીઆરએફની ટીમને પણ એલર્ટ પર રાખવામાં આવી છે. કિમથી કોસંબા તરફ જવાના માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે. શનિવારે વહેલી સવારે કીમ નદીનું લેવલ 12.17 મીટર હતું. નદીનું ભયજનક સ્તર 13 મીટર છે.