કિર્તેશ પટેલ, સુરત: શહેરના મહિધરપુરા વિસ્તારમાં દેહ વેપારના ધંધામાં થયેલા ઝઘડામાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી હતી. આ કેસમાં પોલીસે હત્યા કરનાર દંપતીની ધરપકડ કરી છે. દેહ વેપારના ધંધા સાથે સંકળાયેલી યુવતીને 500 રૂપિયા આપી પોતાની સાથે આવવાનું કહેતા યુવતીના પતિએ તેને ચપ્પુ મારી રહેંસી નાખ્યો હતો. એવી પણ માહિતી મળી છે કે મૃતક યુવકે તેનું ગુપ્તાંગ યુવતીને બતાવ્યું હતું. આ દરમિયાન યુવતીનો પતિ પણ ત્યાં હાજર હતો. જે બાદમાં યુવતીના પતિનો મિજાજ ગુમાવ્યો હતો અને યુવકને રહેંસી નાખ્યો હતો.
સુરતમાં દિવસેને દિવસે હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. શહેરના મહિધરપુરા વિસ્તારમાં અજાણ્યા યુવકની હત્યા થતા ચકચાર મચી જવા પામી છે. શહેરના દિલ્લી ગેટ ચાર રસ્તા નજીક કબીર મંદિરની બાજુમાં ગત રાત્રે અજાણ્યા યુવાનને એક મહિલા અને તેના મિત્રએ માર મારી ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરતા મહિધરપુરા પોલીસ દોડતી થઇ ગઇ હતી.
પોલીસે આ ઘટનામાં હત્યા કરનાર દંપતીની ધરપકડ કરી છે. આરોપી યુવતી દેહ વેપારના ધંધા સાથે સંકળાયેલી છે. પોલીસે મારનાર ઇસમની ઓળખ મેળવવા તપાસ શરુ કરતા આ યુવકનું નામ ભાવેશ ઉર્ફ કાળુ અમતુ દંતાણી હોવાનું સામે આવ્યું છે. જે છૂટક મજુરીનું કામ કરતો હતો. ગત બુધવારના રોજ રાત્રે ભાવેશે યુવતીને 500 રૂપિયા આપવાની વાત કરીને પોતાની સાથે સંબંધ બાંધવા બોલાવી હતી. તે સમયે ભાવેશે યુવતીને ગુપ્તાંગ બતાવ્યું હતું. જે બાદમાં યુવતીનો પતિ ભાવેશને માર મારવા લાગ્યો હતો. પતિએ કહ્યુ હતુ કે, તું મારી સામે જ કેમ ગુપ્તાંગ બતાવી રહ્યો છે.
જે બાદમાં યુવતીના પતિએ ચપ્પુ કાઢીને યુવાનના પેટ અને છાતીના ભાગે ત્રણથી ચાર ઘા મારી દીધા હતા. હુમલામાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે બાદમાં તે લોહીથી લથબથ હાલતમાં રોડ ક્રોસ કરવા જતો હતો ત્યારે ત્યાં જ ઢળી પડ્યો હતો. જે બાદમાં આરોપી યુવક અને તેની પત્ની ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે જે દુકાનની સામે હત્યાનો બનાવ બન્યો હતો તેને ફરિયાદી બનાવીને ગુનો નોંધ્યો હતો. બાદમાં પોલીસે દંપતીની ધરપકડ કરી છે.