

રાજ્યમાં (Gujarat) કોરોના વાયરસે (Coronavirus) ફરી એકવાર માથું ઉંચક્યું છે. ગુજરાત સરકાર દ્વારા ધીરે ધીરે શાળાઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે સુરતમાં સાત વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ (Corona Positive) આવતા ફફડાટ વધ્યો છે. શહેરના નાના વરાછાની કૌશલ વિદ્યાભવન શાળામાં ધોરણ 7ના એક સાથે પાંચ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે જ્યારે કડોદરા અને ડિંડોલીના પણ એક-એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યા છે.(તસવીર - પ્રતીકાત્મક : Shutterstock)


સાત વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા સુરત પાલિકા તંત્ર દોડતું થઇ ગયું છે. પાલિકા દ્વારા તાકીદે આ શાળાઓમાં પ્રાઇમરી સેક્શન બંધ કરાવી દીધું છે. સાથે પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓના સંપર્કમાં આવનાર તમામના રેપિડ ટેસ્ટ કરાવ્યા છે. એક જ ક્લાસમાં ભણતા 5 વિદ્યાર્થીઓના કેસ પોઝિટિવ આવતા શાળા તંત્ર અને વાલીઓમાં પણ ફફડાટ થવા માળ્યો છે.


નાના વરાછાની શાળામાં એક સાથે કોરોના પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા નહતા. પાલિકાની ટીમ દ્વારા શાળાઓમાં રેન્ડમ ટેસ્ટ કરવામાં આવે છે ત્યાંથી જ આ વિદ્યાર્થીઓ પોઝિટિવ મળ્યા હતા.


નોંધનીય છે કે, રાજ્યમાં બુધવારે અમદાવાદમાં 117, રાજકોટમાં 65, સુરતમાં 97, વડોદરામાં 94, ભાવનગરમાં 14, જામનગરમાં 11, આણંદ, કચ્છ અને મહેસાણામાં પ્રત્યેક જિલ્લામાં 7 કેસ, પંચમહાલ અને ખેડામાં 6-6 કેસ, ગાંધીનગરમાં 10, જૂનાગઢમમાં 9 કેસ, સાબરકાંઠામાં 4, મોરબીમાં 3, બોટાદ, નર્મદા, નવસારી અને વલસાડમાં પ્રત્યેક જિલ્લામાં 2 કેસ,અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાથ, મહીસાગર, પાટણ અને પોરબંદરમાં 1 કેસ નોંધવામાં આવ્યો છે. આમ કુલ 475 કેસ નોંધાવામાં આવ્યા છે.