

કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં એક તરફ કોરોના બેકાબુ બની રહ્યો છે. ત્યારે કોરોનાને કાબુમાં લાવવા માટે સરકાર દ્વારા ધન્વન્તરી રથ સેવા શરુ કરવામાં આવી છે. પરંતુ સુરતમાં ધન્વન્તરી રથના ડ્રાઈવરોએ હડતાળ શરુ કરી દીધી છે. સરકાર દ્વારા ડ્રાઈવરોને ભાડુ નહી ચૂકવાતા હડતાલ પર ઉતરી જતા પાલિકા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.


સુરત શહેરમાં કોરોના દિવસેને દિવસે બેકાબૂ બની રહ્યો છે. આ કોરોના સામે લડવા માટે મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર દ્વારા ધન્વન્તરી રથ સેવા શરૂ કરવામાં આવી છે. પરંતુ આ સેવા ખોરંભે ચડી છે.


કારણ કે, સુરતમાં ધન્વન્તરી રથના ડ્રાઈવરોએ હડતાળ શરુ કરી દીધી છે. સુરતમાં શહેરમાં એક હજાર કરતા પણ વધુ રથ લોકોની સારવાર કરી રહ્યા છે. કોન્ટ્રાક્ટ ઉપર ભાડાની ગાડી લઈને રથની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે સરકારે ભાડું નહીં ચૂકવતા આજે અચાનક ધન્વન્તરી રથના ડ્રાઈવરોએ હડતાળ કરી દીધી છે.


ધનવન્તરી રથના ડ્રાઇવરોને છેલ્લા 53 દિવસથી ભાડું ચૂકવવામાં આવ્યુ નથી. વાહનોના ચાલકોએ વાહનોના ભાડાની માંગણી કરી હોવા છતાં ભાડું ન ચૂકવાતા આખરે તેઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.