પ્રજ્ઞેશ વ્યાસ, સુરત: સુરતમાં કોરોના (Surat District Coronavirus Updates)નાં કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. જેને લઇને તંત્રની ચિંતામાં સતત વધારો થઇ રહ્યો છે. સુરતમાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 223 કોરોના પોઝિટિવ કેસ (Corona Positive Case) નોંધાયા છે. જેમાં સૌથી વધુ 115 કેસ ગ્રામ્ય વિસ્તારના છે, જ્યારે 108 કેસ શહેરી વિસ્તારના છે. આ કેસો વધવાનું કારણ કામ અર્થે બહાર નીકળતા લોકો વધારે સંક્રમિત થવાની સાથે એસઓપીનું પાલન નહીં કરતા હોવાને કારણે થઇ રહ્યું હોવાનું અનુમાન છે.
સુરતમાં કોરોના સંક્રમણનાં કેસોની સંખ્યા આખા દિવસ દરમિયાન 250 થી 300ની આસપાસ રહે છે. પરંતુ આજે બપોરે 12 વાગ્યા સુધીમાં જ આ આંકડો 200ને પાર થઇ ગયો છે. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તાર મળી બપોર સુધીમાં જ 223 પોઝિટિવ કેસ નોંધાયા છે. સાંજ સુધીમાં આ કેસ 300 સુધી પહોંચે તો નવાઇ નહીં. બપોર સુધીમાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનાં 115 કેસ નોંધાતા કુલ કેસ સાત હજાર પાંચસોને પાર થઇ ગયા છે.
ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસ 7,894 નોંધાયા છે. જયારે શહેરમાં આજે 108 પોઝિટિવ કેસ બપોર સુધીમાં નોધાયા છે. જેને લઇને શહેરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 21,786 થઇ છે. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તાર મળી કુલ કેસની સંખ્યા 29,680 પર પહોંચી છે. જ્યારે અત્યાર સુધી કુલ મૃત્યાંક 931 પર પહોંચ્યો છે.
જિલ્લામાં સતત વધી રહેલા કોરોના કેસ મામલે એવું તારણ સામે આવ્યું છે કે ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો કામ માટે આવતા હોઇ છે. આવા સમયે ગ્રામ્ય વિસ્તારમાં વધારે સંક્રમણ નોંધાઈ રહ્યું છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન પણ યોગ્ય રીતે ન થતું હોવાનું જાણવા મળ્યું છે. એક તરફ અનલૉકમાં તમામ વેપાર ઉદ્યોગ અને ઑફિસો શરૂ થઇ રહી છે. ત્યારે બીજી બાજું કોરોના સંક્રમણના વધી રહેલા કેસ ચિંતાનો વિષય છે.