

કિર્તેશ પટેલ, સુરત : કોરોના મહામારી વચ્ચે બીજો વેવ શરૂ થઈ ગયો છે. કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે, ત્યારે લોકો કોરોના ટેસ્ટિંગ કરાવેતે માટે તંત્ર દ્વારા શહેરમાં અલગ અલગ જગ્યા પર કોરોના ટેસ્ટિંગ સેન્ટર શરુ કરવામાં આવ્યા છે. ત્યારે લોકો ટેસ્ટ કરે તે માટે કર્મચારી સતત મહેનત કરી લોકોને સમજાવી રહ્યા છે, જોકે લોકો અહીંયા ટેસ્ટ કરાવવાના બદલે ટેસ્ટથી ભાગી રહ્યા છે.


આજે સુરતના રિંગરોડ પર આવેલી મિલેયનિયમ કાપડ માર્કેટની બહાર આજે પાલિકા દ્વારા ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, લોકો ટેસ્ટ કરાવવાના બદલે બહાના કરી રહ્યા હતા અને ભાગી રહ્યા હતા. દરમિયાન ત્યા હાજર સ્થાનિક ટેસ્ટિંગ કર્મચારીઓ હાથપગ જોડતા નજરે પડ્યા હતા.


આ કર્મચારીઓ ટેસ્ટ કરાવવા માટે લોકોની પાછળ દોડતા પણ નજરે ચઢ્યા હતા. ટેસ્ટિંગ માટેની આવી લાપરવાહીના કારણે જ સુરતમાં કેસ વધ્યા છે. રાજ્યમાં રાત્રિ કર્ફ્યૂ પણ લગાડવામાં આવ્યું છે ત્યારે સુરત અને અમદાવાદની સ્થિતિ ગંભીર બની રહી છે.


આ ઉપરાંત રાજ્યમાં કોરોના વાયરસના કેસ વધતા સુરતમાં પણ હાયપર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે, અહીંયા ચોંકાવનારા દૃશ્યો તો એ હતા કે લોકો ટેસ્ટ કરાવવા માટે જાતજાતના બહાન કરતા ભાગ્યા હતા જ્યારે એક યુવતી દોડીદોડીને તેમને ટેસ્ટ માટે લઈ જઈ રહી હતી.


સુરતના હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગની મોટી બજારોને ભીડભાડના કારણે કોરોનાથી બચાવવા માટે તંત્ર દ્વારા સુપર સ્પ્રેડરને શોધી અને તેમના ટેસ્ટીંગ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.


સુરતના આ વિસ્તારના લોકોને કોરોના મુક્ત રાખવાની જવાબજારી જાણે કે આ યુવતીએ જ લીધી હોય તે લોકો સાથે ઝઘડી ઝઘડી અને હાથેપગલે લાગી તેણે ટેસ્ટ કરાવવા માટે અપીલ કરી હતી.