

કિર્તેશ પટેલ, સુરત: સુરતમાં કોરોના મહામારી (Surat coronavirus cases) વચ્ચે નિયમ ભંગની સતત ઘટનાઓ બની રહી છે. તંત્ર તરફથી કોઈ કડક કાર્યવાહી કરવામાં ન આવતા લોકો સતત નિયમનો ભંગ કરી રહ્યા છે. શહેરમાં આ વખતે કૉંગ્રેસના નગરસેવક (Congress councillor) દ્વારા પોતાના ફાર્મ હાઉસ (Farm house) પર જમણવારનું આયોજન કરી નિયમો તોડવામાં આવ્યો છે. બીજી બાજુ ભાજપના ધારાસભ્ય (BJP MLA)એ પેજ પ્રમુખ માટે બોલાવેલી બેઠકમાં કોરોનાના નિયમોના ધજાગરા ઉડ્યા હતા. આટલું ઓછું હોય તેમ નેતાઓ તરફથી સોશિયલ મીડિયાામાં પણ તસવીરો મૂકવામાં આવે છે.


કોરોના મહામારી વચ્ચે લોકો નિયમોનું પાલન કરે તેવી સૂચના તંત્ર અને સરકાર દ્વારા આપવામાં આવી છે. જોકે, સામાન્ય માણસ નિયમ તોડે તો તંત્ર તેની સામે કાર્યવાહી કરે છે અથવા દંડ વસૂલે છે. સુરતમાં નિયમો તોડવા જાણે એક ફેશન બની ગઈ હોય તેમ સતત આવા બનાવો સામે આવતા રહે છે. અહીંયા તંત્ર કે સરકાર કોઈ કાર્યવાહી નથી કરતું અથવા તો નેતાઓને જાણે નિયમો તોડવાનો પરવાનો મળી ગયો છે.


સુરતમાં નિયમોના ધજાગરા ઉડાવવાની એક સાથે બે ઘટના સામે આવી છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા યોગી ચોક વિસ્તારના કૉંગ્રેસના નગરસેવકે ગતરોજ પોતાના ફાર્મ હાઉસ પર બ્રહ્મ ભોજનના નામે લોકોને એકઠા કર્યાં હતા. આ દરમિયાન લોકોએ માસ્ક પહેર્યાં ન હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ થયું ન હતું. એક થાળીમાં બે-બે લોકો જમતા જોવા મળ્યા હતા. (તસવીર: કૉંગ્રેસ કોર્પોરેટર નિલેશ કુંભાણી)


નગર સેવકે આગામી દિવસોમાં કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે ત્યારે ચર્ચામાં રહેવા માટે આવું આયોજન કર્યું હોય તેવું લાગી રહ્યું છે. આ નગરસેવક સામે અગાઉ એક ફાર્મ હાઉસમાં જન્મ દિવસની ઉજાવણી સમયે નિયમો તોડતા કાર્યવાહી કરવામાં આવી હતી. (તસવીર: ભાજપ ધારાસભ્યનો કાર્યક્રમ)


બીજી તરફ આ જ વિસ્તારમાં ધારાસભ્ય એવા ભાજપના વી. ડી. ઝાડાવાડીયાને જાણે કોરોના ગાઈડલાઇન તોડવામાં મહારથ મળી ગઈ હોય તેવું લાગે છે. તેઓ દરરોજ ગાઈડલાઇન તોડી તેના ફોટા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મૂકતા હોય છે. આ નેતાએ ગતરોજ પણ પેજ પ્રમુખના સભ્યની બેઠકનું આયોજન કર્યું હતું. અહીંયા હાજર રહેલા લોકોએ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કર્યું ન હતું. આ નેતા અનેક વખત નિયમ ભંગ કરી ચૂક્યા હોવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી થતી નથી.