

કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં 31માં પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ ગઈકાલે યોજાઈ ગયો. આ પોલીસ સ્ટેશનના ખાતમહૂર્તમાં રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને ડીજીપી તેમજ પોલીસ કમિશનર સાથે હોવાને લઈને સમગ્ર ગોડાદરા વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી નાખવામાં આવ્યો હતો. છતાં જે વિસ્તારમાં કાર્યક્રમ યોજાયો તેની નજીકથી જ ફોન સ્નેચિંગની ઘટના સામે આવી છે. આમ નવા પોલીસ સ્ટેશનનું ખાતમહૂર્ત કરતાં ગઠિયાઓએ પહેલાં દિવસથી ગોડાદરા પોલીસને ચેલેન્જ ફેંકી દીધી છે.


સુરત શહેરમાં સતત ગુનાખોરી વધી રહી છે ત્યારે ગુનાખોરી ડામવા માટે પોલીસ વિભાગ દ્વારા વધુ એક પોલીસ સ્ટેશન ગતરોજ શરુ કરવામાં આવ્યું છે. જોકે, શહેરમાં 31માં પોલીસ મથક ગોડાદરાનું કાલે લોકાર્પણ હોવાને લઇને ગુજરાત પોલીસ વિભાગના ડીજીપી સાથે ગુજરાતના ગૃહ મંત્રી અને શહેર પોલીસ સાથે અનેક ઉચ્ચ અધિકારી હાજર હતા.


જોકે, આ કાર્યક્રમને લઈને ગોડાદરા પોલીસ મથક વિસ્તાર પોલીસ છવણીમાં પરિવર્તિત કરવામાં આવ્યો હતો અને દરેક જગ્યા જગ્યા પર પોલીસ તહેનાત કરવામાં આવી હતી. તે વચ્ચે આજ વિસ્તારમાં આ પોલીસ મથકના એક જ કિલોમીટરમાં એક નહિ પણ બે લોકોનાં હાથમાંથી મોબાઈલ સ્નેચરો મોબાઈલ સ્નેચિંગ કરી નાસી ગયા હતા.