કિર્તેશ પટેલ, સુરત: ગુજરાતના (Gujarat) સુરતમાં (Surat) કોઈપણ તહેવાર હોય ત્યારે સુરતીલાલાઓ તેની ધુમધામથી ઉજવણી કરતા હોય છે. ત્યારે ઉતરાયણ તહેવારને (kite flying) એક-બે નહીં પણ ત્રણ દિવસ ઉજવણી કર્યા બાદ આ ઉત્તરાયણમાં કાતિલ દોરીથી કોઈ અકસ્માત ના થાય તે માટે અનોખી ઓફર મુકી છે. ખાવાપીવાના શોખીન એવા સુરતીઓ માટે સુરત ફરસાણના વેપારીએ અનોખી સ્કીમ મુકી છે. રસ્તે રઝળતી કાતિલ દોરીથી થતા અકસ્માત અટકાવવા માટે રસ્તે રઝળતી દોરી જેટલી લઇને આવે તેટલા વજનનાં ખમણ અથવા લોચો આપવાની જાહેરાત કરી છે.
સામાન્ય રીતે, સુરતીઓની સવાર આમ તો ખમણ અને લોચા શરુ થાય છે. ત્યારે જીવ દયા પ્રેમી એવા ફરસાણના વેપારી દ્વારા 500 ગ્રામ દોરીની ગૂંચ સાથે 500 ગ્રામ ખમણ ફ્રી આપવાની તેમજ 1 કિલો દોરીની ગૂંચ સાથે 1 કિલો સાદા ખમણ અથવા ચીઝ રોલ લોચો ફ્રીમાં આપવાની જાહેરાત કરી છે. વેપારી ચેતન ભાઈના જણાવ્યા પ્રમાણે, સુરતમાં આ ઉત્સવ ખૂબ ઉત્સાહથી ઉજવાય છે પણ આ તહેવાર પછી દોરાની ગૂંચ ગમે ત્યાં પડી રહે છે. તેના કારણે ઘણીવાર અકસ્માતો થવાની સંભાવના રહે છે. જેથી અમે લોકોના સહયોગ થકી આ ઓફર વિચારી હતી. જેમાં અમને દોરાની ગૂંચ લાવી આપનારને અમે નાસ્તો ફ્રી માં આપીશું.
કોરોનાની મહામારી વચ્ચે સુરતના સુરતીઓ કોઈપણ તહેવાર હોય તેને ધૂમધામથી ઉજવતા હોય છે. ત્યારે ઉતરાયણ પર્વ સુરતના સુરતીઓ માટે મનગમતો તહેવાર છે. 14 જાન્યુઆરીએ ઉત્તરાયણની ઉજવણી શરૂ થઈ હતી આમ તો સુરતમાં 14 અને 15મી તારીખે વાસી ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવતી હોય છે. પણ આ વખતે 16મી તારીખે રવિવાર આવતો હોવાને કારણે ત્રણ દિવસ સુધી પોતાના પરિવાર સાથે ધાબા પર પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી હતી.
ઉત્તરાયણમાં પતંગ ચગાવાતા દોરાથી ઝાડ અને રસ્તા પર લટકતા હોય તો તે કોઇના ગળામાં કે વાહનમાં ફસાવવાથી જીવ પણ જાય છે. જોકે ઉતરાણ પડતાની સાથે જ આ પતંગના દોરા ગમે ત્યાં લટકતા અથવા તો ઝાડ ઈલેક્ટ્રીક વાયર પર પણ લટકતાં જોવા મળે છે. જેને કારણે અકસ્માતનો સૌથી વધુ ભય હોય છે. ત્યારે આ વખતે લટકેલા દોરાથી કોઇનો અકસ્માત ના થાય તે માટે સુરતના એક ફરસાણના વેપારી દ્વારા એક અનોખી સ્કીમ મૂકવામાં આવી છે.