

પ્રગ્નેશ વ્યાસ, સુરત : આજે સોમવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Gujarat CM Vijay Rupani)એ ખેડૂતો (Farmers)ને લઇને અનેક યોજનાઓ જાહેર કરી હતી. પરંતુ આ યોજનાની જાહેરાત બાદ દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ નારાજ દેખાયો હતો. ખાસ કરીને દક્ષિણ ગુજરાત (South Gujarat Farmers) ખેડૂત સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ યોજનાથી ખેડૂતોને કોઇ ફાઇદો થવાનો નથી.


દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું હતું કે, સરકાર ચાર વિઘા માટે 20 હજાર આપવાની વાત કરી રહી છે. ત્યારે ખેડૂતને એક વિઘામાં વાવણીનો ખર્ચ જ એટલો થાય છે. જેથી આ એક મજાક છે. જો સરકાર ખરેખર ખેડૂતો વિશે વિચારતી હોઇ તો બિયારણ અને ખાતર પર લગાવવામાં આવેલો જીએસટી કેમ દૂર કરવામાં નથી આવતો? (તસવીર- રમેશ પટેલ)


દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું હતું કે આતો ફૂલ ગુલાબી વાયદા કરવામાં આવ્યા છે. સરકારે જગતના તાત સાથે મજાક કરી છે. સરકારે અનેક બાબતો જે કરવી જોઇએ તેની માટે અમે અનેકવાર ગુજરાત ખેડૂત સમાજના માધ્યમથી રજુઆતો કરી છે. સામાન્ય રીતે એક ખેડૂત પોતાના ખેતરમાં એક વિઘામાં વાવેતર કરે ત્યારે એક વિઘાનો ખર્ચ જ 20 હજારની આસપાસ થતો હોઇ છે. તો કેવી રીતે સરકાર પાકના નુકસાનનું વળતર ચાર વિઘા માટે 20 હજાર આપી શકે? (સીએમ રૂપાણી- ફાઇલ તસવીર)


રમેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે અમે સરકારને રજુઆત કરી છે કે બીયારણ અને ખાતર પર જે જીએસટી નાખવામાં આવ્યો છે તેને નાબૂદ કરવામાં આવે. આવું થશે તો ખેડૂતોને સસ્તા ભાવે આ વસ્તુ મળી જશે. ઉપરાંત જે નુકસાનનો જે સર્વે કરવામાં આવે છે તેને ચાર વિઘાની જગ્યાએ એક વિઘાનું મૂલ્ય આંકી ખેડૂતોને સહાય આપવી જોઇએ. આ સાથે અગાઉ પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા તેના માટે પણ સરકારે યોગ્ય આયોજન કરવું જોઇએ. (ફાઇલ તસવીર)