સુરત : સ્મીમેર હોસ્પિટલે 128 દર્દીને આયુર્વેદિક ટ્રીટમેન્ટથી સાજા કર્યા, જાણો - કયા ઉકાળા અને ઔષધીથી સાજા થયા દર્દી
આયુર્વેદિક હોમિયોપેથિક ઉપચારથી રોગપ્રતિકારક શક્તિમાં ફરક અનુભવતાં દર્દીઓએ આ પહેલને આવકારી છે. સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓ માટે ઉકાળો સંજીવની સમાન બન્યો છે.


પ્રજ્ઞેશ વ્યાસ, સુરત: કોવિડ-19ની પરિસ્થિતિમાં કોરોના સંક્રમણની સામે લડવા સારી રોગપ્રતિકારક શક્તિ હોવી એ વરદાનરૂપ છે. સમગ્ર વિશ્વને ભારતે આપેલી અણમોલ ભેટ સમાન આયુર્વેદ પધ્ધતિ રોગપ્રતિકારક શક્તિ વધારવા સર્વશ્રેષ્ઠ છે. સુરતમાં સિવિલ અને સમરસ હોસ્ટેલમાં આયુર્વેદિક સારવારના સારા પરિણામો મળવાથી સ્મીમેર હોસ્પિટલમાં પણ દર્દીઓને આયુષ મંત્રાલયની ગાઈડલાઈનને અનુસરીને એલોપેથિક સારવારની સાથે દર્દીઓની સંમતિથી આયુર્વેદિક અને હોમિયોપેથિક સારવાર થઈ રહી છે.


જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય મિલન દશોંદીએ જણાવ્યું કે, સ્મીમેરમાં દર્દીઓને આયુર્વેદિક અને હોમિયોપેથી સારવાર કરવા માટે તાપી જિલ્લામાંથી બે વૈદ્ય નિલેષ સભાડીયા અને વૈદ્ય આશિષ ખેની તેમજ નવસારી જિલ્લાના બે વૈદ્ય ચિરાગ ડોબરિયા અને વૈદ્ય દિલીપ આહિર, અને વૈદ્ય શેલેષભાઈ ડુંગરાણીને તૈનાત કરવામાં આવ્યા છે. સંક્રમિત દર્દીઓની સંમતિથી તપાસ કરીને તેમની શારીરિક સ્થિતિ મુજબ આયુર્વેદિક કે હોમિયોપેથિકની દવાઓ આપવામાં આવે છે. દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળો અને ઔષધિઓ ખુબ જ કારગર સાબિત થઈ રહી છે.


વૈદ્ય મિલન દશોંદીએ વધુમાં જણાવ્યું કે, દરરોજ સવારે આયુર્વેદિક ઉકાળો પીવાથી ભૂખ સારી લાગે અને ઈમ્યુન પાવરમાં સુધારો થાય છે. ગત તા.06 જુલાઈથી અત્યાર સુધીમાં કુલ આયુર્વેદિક અને હોમિયોપેથિકની સારવારથી કોરોનાની હળવી અસર ધરાવતાં કુલ 305 દર્દીઓમાંથી 128 દર્દીઓને રજા આપવામાં આવી છે. અન્ય 177 ની સારવાર ચાલી રહી છે.


વૈદ્ય ચિરાગ ડોબરીયાએ જણાવ્યું હતું કે, આયુષ નિયામકની કચેરી, ગાંધીનગર અને સુરત શહેરી અને જિલ્લા તંત્રના માર્ગદર્શન હેઠળ તા.૬ જુલાઈથી દરરોજ વહેલી સવારે દર્દીઓને ભૂખ્યા પેટે ઉકાળાનો 40 મિલીગ્રામનો ડોઝ આપવામાં આવે છે. આ આયુર્વેદિક ઉકાળામાં પથ્યાદી કવાથ 20 મિલી, દશમુલ કવાથ 20 મિલી ઉકાળીને તેમાં 03 ગ્રામ ત્રિકટુ ચૂર્ણ મિશ્રણ કરીને દર્દીઓને સેવન કરાવવામાં આવે છે. સાથે જ સાત દિવસ માટે ત્રણ પ્રકારની આયુર્વેદિક ગોળી આપવામાં આવે છે. સવારે અને સાંજે બે ટાઈમ બે સંશમની વટી, સવારે અને સાંજે એક આયુ-64, દર બે કલાકે એક-એક ગોળી યષ્ટિમધુ ઘનવટી ચુસવા માટે આપવામાં આવે છે.


ઉપરાંત, હોમિયોપેથિક સારવાર માટે તાપી જિલ્લાના ડો.આનંદ પરમાર, નવસારીના ડો.ધવલ શાહ અને સુરતના ડો.જય રૈયાણી સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે. હોમિયોપેથિક દવામાં આર્સેનિક આલ્બ-30 પોટેન્સીની ગોળી આપવામાં આવે છે. આયુર્વેદિક હોમિયોપેથિક ઉપચારથી રોગપ્રતિકારક શક્તિમાં ફરક અનુભવતાં દર્દીઓએ આ પહેલને આવકારી છે. સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓ માટે ઉકાળો સંજીવની સમાન બન્યો છે. કોરોના સંક્રમણને રોકવા સુરતવાસીઓ પ્રાચીન આયુર્વેદની સૌથી જૂની ચિકિત્સા પદ્ધતિને અનુસરી રહ્યા છે.