સુરત અંગદાનમાં મોખરે, બ્રેનડેડ મહિલાના અંગદાનથી સાત લોકોને નવું જીવન મળ્યું
ગુજરાતમાંથી હૃદય દાનની 35મી ઘટના, જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા હૃદય દાન કરાવવાની આ 28મી ધટના છે. જેમાંથી 20 હૃદય મુંબઈ, 4 હૃદય અમદાવાદ, 2 હૃદય ચેન્નાઈ, 1 હૃદય ઇન્દોર અને 1 હૃદય નવી દિલ્હી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.


કિર્તેશ પટેલ, સુરત: સુરત શહેરમાંથી અંગદાન થકી માનતા મહેકાવતો વધુ એક ઘટના સામે આવી છે. સુરતમાંથી કોળી સમાજના મહિલાને બ્રેનડેડ (Brain Dead) જાહેર કરતા તેમના પરિવારે તેમના શરીરના અંગોનું દાન (surat organ donation) કરી સાત લોકોને નવું જીવન (New Life) આપીને માનવતા મહેકાવી છે. કોળી પટેલ સમાજના બ્રેનડેડ ઇલાબેન નીતિનભાઈ પટેલના પરિવારે તેમનાં હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાતાને તો મહેકાવી જ છે સાથે સાથે સમાજને નવી રાહ પણ ચીંધી છે.


ઇલાબેનનું હૃદય સુરતથી ચેન્નાઈનું 1,610 કિલોમીટરનું અંતર કાપીને 180 મિનિટમાં હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ દિલ્હીની 15 વર્ષીય વિદ્યાર્થિનીમાં MGM હૉસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. જ્યારે ફેંફસાનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની 61 વર્ષીય મહિલામાં ચેન્નાઈની એપોલો હૉસ્પિટલ ખાતે કરવામાં આવ્યું. દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં નિયમાનુસાર અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) ખાતે ડૉ.પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.


ચેન્નાઈની MGM તથા એપોલો હૉસ્પિટલના ડૉ. મુરલી ક્રિષ્ના, ડૉ.મોહન અને તેમની ટીમે સુરત આવી હૃદય અને ફેફસાનું દાન સ્વીકાર્યું હતું. કિડની અને લિવરનું દાન અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ડૉ.સુરેશ કુમાર અને તેમની ટીમે આવીને સ્વીકાર્યું હતું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુ બેંકના ડૉ.પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું હતું.


દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની પૈકી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના ૧૮ વર્ષીય યુવકમાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ આણંદની ૧૮ વર્ષીય યુવતીમાં જ્યારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના 54 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)માં ડૉ.પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.


ગુજરાતમાંથી હૃદય દાનની આ 35મી ઘટના છે. જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા હૃદય દાન કરાવવાની આ 28મી ધટના છે, જેમાંથી 20 હૃદય મુંબઈ, 4 હૃદય અમદાવાદ, 2 હૃદય ચેન્નાઈ, 1 હૃદય ઇન્દોર અને 1 હૃદય નવી દિલ્હી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ડોનેટ લાઈફ દ્વારા સુરતથી ફેંફસાના દાનની આ ત્રીજી ઘટના છે. જેમાંથી 2 ફેફસા બેંગ્લોર, 2 ફેંફસા મુંબઈ અને 2 ફેંફસા ચેન્નાઈ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.


હૃદય અને ફેફસાં સમયસર ચેન્નાઈ પહોંચાડવા માટે વિનસ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે સુરત શહેર પોલીસનો સહકાર સાંપડ્યો હતો. એજ રીતે કિડની અને લિવર અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) મોકલવા માટે વિનસ હોસ્પિટલથી અમદાવાદ IKDRC હોસ્પિટલ સુધીના 261 કિ.મી. ના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.


તા. 27 સપ્ટેમ્બરના રોજ રાત્રે નવ કલાકે ઇલાબેનને ચક્કર તેમજ ખેંચ આવતા તેઓ બેભાન થઇ ગયા હતા. પરિવારજનોએ તેમને તાત્કાલિક વિનસ હૉસ્પિટલમાં ખસેડ્યા હતા. નિદાન બાદ મગજની નસ ફાટી જવાથી લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું તેમજ મગજમાં સોજો હોવાનું સામે આવ્યું હતું. જે બાદમાં 29મી સપ્ટેમ્બરના રોજ ઇલાબેનને બ્રેનડેડ જાહેર કરાયા હતા. જે બાદમાં તેઓને અંગદાન માટે સમજાવવામાં આવ્યા હતા.