સુરતના છેવાડે આવેલા ડુમસ ગામ જવાના રસ્તા પર રાત્રી દરમિયાન કેટલાક યુવાનો ફરવા નીકળ્યા હતા, તેમને 'સોનાના સિક્કા મળ્યા, અહીં સોનાના સિક્કાનો વરસાદ થયો છે', આવી વાત ગામમાં વાયુ વેગે ફેલાતા લોકો મોડી રાત્રે અંધારામાં ટોર્ચ લઈને સિક્કાની શોધમાં નીકળી પડ્યા હતા. આખી રાત બાદ સવાર થતાની સાથે ગામની મહિલાઓ સાથે પુરુષો પણ સિક્કા શોધવા નીકળી પડ્યા હતા.
કોઈને એક સિક્કો મળ્યો તો કોઈને પાંચ તો કોઈને 10 તો કોઈને 50 સિક્કા મળ્યા હતા, જોકે કેટલાક તો નજીકમા આવેલ ઝાડીમાં પણ સિક્કા શોધવા લાગ્યા હતા. આ વાત જેમ-જેમ ફેલાવા લાગી તેમ-તેમ ગામના અનેક લોકો સિક્કા શોધવા આવ્યા હતા, એટલું જ નહીં સુરતથી પણ કેટલાક લોકો ખાસ સિક્કા શોધવા પહોંચી ગયા હતા, પણ તેમને નિરાશા હાથ લાગી હતી.
જોકે પોલીસ તપાસમાં સામે આવ્યું કે, કોઈ ટિખળખોરે ચોખાની થેલીમાં કેટલાક પિત્તળના સિક્કા નાખી રોડ ઉપર ફેંકી દીધા હોઈ એવું શકે છે. કોઈ ધાર્મિક વિધિમાં લઈ જવાતા સિક્કાવાળી થેલી પડી ગઈ હોય અને રોડ ઉપર વિખેરાઈ ગયા બાદ એ રોડ પરથી મળી આવ્યા હોય એમ કહી શકાય છે, આ સિક્કા સોનાના નહીં હોવાનું પણ સામે આવ્યું છે.
જોકે સિક્કા સોનાના નહી, પરંતુ પિત્તળના હોવાનું સામે આવ્યું છે. આ વાતની ખબર ગામમાં ખમણ વેચવા આવતા વેપારીને પડતા વેપારી પણ પોતાનો વેપાર છોડી સિક્કા શોધવા લાગ્યો હતો. જોકે, આ સિક્કા ખમણ વાળાને તો ન મળ્યા પણ સિક્કા પિત્તળના નીકળતા તમામ લોકોને નિરાશા હાથ લાગી હતી. જોકે સોનાના સિક્કાને લઈને ડુમસ ગામ સાથે સુરત શહેરમાં પણ કૂતુહલ સર્જાયું હતું.