સુરતની થઈ વરવી 'સુરત': રસ્તા વરસાદમાં ધોવાઈ ગયા, ઠેર-ઠેર ખાડાથી સુરતવાસીઓ હેરાન-પરેશાન
સુરત મહાનગર પાલિકા કરોડો રૂપિયા રોડ રસ્તા રીપેર કરવા માટે વાપરે છે. પરંતુ હજુ સુધી એવા કોઇ પગલા લેવામાં નથી આવ્યા કે રોડ બન્યા બાદ તે તુટ્યા હોઇ અને તેના કોન્ટ્રાકટર સામે પગલા લેવામાં આવ્યા હોઇ


સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેધરાજાએ મહેર કરી હતી. વરસાદને કારણે સ્માર્ટ સીટીની રેસમાં આગળ ચાલી રહેલા સુરત શહેરની એક વરવી સુરત સામે આવી હતી. સુરત શહેરના મોટા ભાગના રસ્તાઓ વરસાદમાં ધોવાઇ ગયા હતા અને ઠેર ઠેર ખાડા પડી ગયા હતા. જેનાથી સુરતીઓને વાહન ચલાવવા માટે અનેક અગવડતાઓનો સામનો કરવાનો વારો આવતો હતો ઉપરાંત લોકોને શારીરીક સમસ્યાનો પણ સામનો કરવાનો વારો આવ્યો છે.


સુરત હરણફાળ રીતે પ્રગતી કરવાની સાથે શહેરનો વ્યાપ પણ વધી રહ્યો છે. ત્યારે સુરતમાટે સ્માર્ટ સીટી બનવું એક ચેલેન્જ છે જેને લઇને અનેક તેને સંલગ્ન પ્રોજેકટો પણ મુકવામાં આવ્યા છે. પરંતુ સુરત શહેરની સીરત આ વખતના વરસાદે બગાડી નાખી છે. સુરત શહેરના માર્ગોપર રોડ લાખો કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવતા હોઇ છે પરંતુ સુરતમાં થોડા સમયમાં પડેલા વરસાદને કારણે તમામ રોડ રસ્તા બિસમાર થઇ ગયા છે. અનેક રસ્તાઓ ધોવાઇ ગયા છે તો અનેક રસ્તાઓમાં ખાડા પડી ગયા છે. જેને લઇને સ્થાનીક લોકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.


રોડ રસ્તા ખરાબ થવાને કારણે વાહન ચાલોકોને તકલીફો પડે છે. પરંતુ ટ્રાફિક જામની સમસ્યા તેમજ એકસ્માતો પણ થતા હોઇ છે. પરંતુ મહત્વની વાત એ છેકે લોકોને આવા માર્ગો પર વાહન ચલાવવાથી શારીરીક સમસ્યાઓ પણ આવે છે.ખરાબ રસ્તાને કારણે યુવાનોને તો કમરનો દુખાવો થાય છે પણ જો માર્ગપરથી વ્રુધ અથવા ગર્ભવતી મહિલાઓ પસાર થાય તો તેમને વધારે નુકશાન થઇ શકે છે. મનપાના અધિકારીઓને જયારે આ બાબતે પુછતા તેમણે માહિતી પણ આપી ન હતી ઉપરાંત તમામ સ્ટાફ હાલમાં કોરોનામાં રોકાયો હોવાની વાત કરી હતી.


સામાન્ય રીતે વરસાદ બાદ તુરંત મનપા દ્રારા રોડ રસ્તા રીપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવતી હોઇ છે. પરંતુ આ વખતે હજુ પણ ખુબ ઓછા રસ્તાઓ રીપેર થયા છે, હજુ પણ મોટા ભાગના રોડ રીપેર કરવાના બાકી હોઇ તેનો ભોગ લોકો બની રહ્યા છે. મનપા મેયર પાસે જયારે આ સમગ્ર મામલે પુછવામાં આવ્યું ત્યારે તેમને સીધો જવાબ આપવાની જગ્યાએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો.


એમાં પણ એમ કહ્યું હતું કે દરેક શહેરોમાં જે સમસ્યાઓ આવે છે તેવીજ સમસ્યાઓ સુરતમાં પણ આવી છે. અને નવા રોડ બન્યા બાદ જો તુટીયા હશે તો તે કોન્ટ્રાકટરની વિગતો પણ મંગાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. સમાન્ય રીતે સુરત મહાનગર પાલિકા કરોડો રૂપિયા રોડ રસ્તા રીપેર કરવા માટે વાપરે છે. પરંતુ હજુ સુધી એવા કોઇ પગલા લેવામાં નથી આવ્યા કે રોડ બન્યા બાદ તે તુટ્યા હોઇ અને તેના કોન્ટ્રાકટર સામે પગલા લેવામાં આવ્યા હોઇ. સ્માર્ટ સીટીના બંગણા ફુકતી મનપા રોડ રસ્તા બાબતે કયારે સુધરશે તે હવે જોવાનું રહયું.