

કિર્તેશ પટેલ, સુરત: શહેરના કાપોદ્રા ખાતે આવેલા શક્તિવિજય સોસાયટીના સુંદરમ એપાર્ટમેન્ટ ખાતે ચાલતા જુગાર પર પોલીસે દરોડા પાડ્યા. અહીંયા જુગાર રમતા શકુનિઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જોકે જુગાર રમવામાં પાંચ મહિલા ઓ પણ સામેલ હતી, તમામ આઠ જણાને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા ૧.૨૬ લાખ પોલીસે કબજે કર્યા હતા. ફલેટના માલીક પોતાના આર્થિક લાભ માટે મહિલા સહિતના ગ્રાહકોને બોલાવી જુગાર રમવાના સાધન સહિતની સવલતો પુરી પાડી તેના બદલામાં નાળ પેટે પૈસા વસુલતો હતો.


કાપોદ્રા પોલીસના સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે, કાપોદ્રા વિસ્તારમાં આવેલ શક્તિવિજય સોસાયટીના સુંદરમ ઍપાર્ટમેન્ટમાં ફલેટ નંબર- ૩૦૨માં રહેતા અને ડ્રાઈવીંગની નોકરી કરતા મેહુલ ઉર્ફે કાળુ પિયુષ બારડ પોતાના અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવી હાઈપ્રોફાઈલ જુગાર રમાડી રહ્યા છે. આ હકીકત કાપોદ્રા પોલીસને મળતા પોલીસે ગતરોજ બપોરે દરોડા પાડ્યા હતા, જેમાં જુગાર રમતા 8 જેટલા શકુની ઝડપાયા હતા, જેમાં પાંચ જેટલી મહિલા પણ સામેલ હતી.


જોકે પોલીસે અહીંયાથી મેહુલ ઉપરાંત ફલેટમાંથી શૈલેષ ધનજી માયાણી, રસીક મનસુખ જીવાણી, ભાવનાબેન ઠેસીયા, ગંગાબેન ઉર્ફે ગીતા ભાવેશ ભીલ, જીણુબેન ઉર્ફે ભાવનાબેન મકવાણા, ભાવનાબેન અશોક સરવૈયા, માલુબેન મધુભાઈ આહીર જુગાર રમતા ઝડપાયા હતા.


હાલમાં પોલીસે જુગારીઓ પાસેથી રોકડા ૧,૨૬,૧૮૦ કબજે કર્યા હતા. મેહુલ બારડ પોતાના આર્થિક લાભ માટે બહારથી ગ્રાહકોને ઘરે બોલાવી જુગાર રમવાની સલવત પુરી પાડી તેના બદલામાં નાળ પેટે પૈસા વસુલતો હતો. હતો જોકે પોલીસે તમામની ધરપક્ડ કરા આ તમામ વિરુદ્ધ કાપોદ્રા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરુ કરી છે.


ઉલ્લેખનીય છે કે, જુગારની બદી દરેક જગ્યા પર ચાલી રહી છે. આવો જ જુગારધામનો એક કિસ્સો બે દિવસ પહેલા જ સુરેન્દ્રનગરથી સામે આવ્યો હતો. સુરેન્દ્રનગરમાં છેલ્લા કેટલાએ સમયથી દાદાગીરી સાથે ચાલતા જુગાર ધામ પર આજે રાજકોટ પોલીસ ત્રાટકી હતી. પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી, પરંતુ રાજકોટ પોલીસને પણ અહીં માથાભારે જુગારીઓનો કડવો અનુભવ થયો. પોલીસે જ્યારે રેડ કરી તો, જુગારીઓ અને પોલીસ વચ્ચે રીતસર ફિલ્મી સ્ટાઈલમાં સંઘર્ષ થયો હતો. પોલીસ અને જુગારીઓના સંઘર્ષમાં મહત્વની વાત એ છે કે, જુગારીઓએ પોલીસની રિવોલ્વર છિનવી લીધી હતી. તમને જણાવી દઈએ કે, થાનગઢમા ઘણા સમયથી બે રોક-ટોક જુગાર ધામની હાટડી ચાલે છે. આ જુગારધામ ચલાવનાર અને અહીં આવતા જુગારીઓ એવા રીઢા છે કે, તેમને પોલીસની પણ જરાએ બીક રહી નથી, અહીં અનેક વાર પોલીસ માર ખાઈ પરત આવી છે. અતિશય જુના આ અડ્ડા વાળા પોલીસ પર હુમલો કરી તેમને ભગાડી દે છે.