

સુરત: શહેરમાં હત્યા (Surat Murder Case)નો સિલસિલો યથાવત રહ્યો છે. એટલું જ નહીં, કર્ફ્યૂ (Surat night curfew)ના સમયમાં લોકોને ઘરથી બહાર નીકળવાની મનાઈ છે ત્યારે પણ એક યુવકની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. જેની હત્યા કરવામાં આવી તે રાજા નામનો શખ્સો દારૂ (Liquor) અને ગાંજાના વેપાર સાથે સંકળાયેલો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. શહેરના કતારગામના ફુલપાડા (Katargam Fulpada) વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. ચારથી પાંચ લોકોએ ચપ્પુના ઘા ઝીંકીને રાજાને પતાવી દીધી હતો. મૃતકના આખા પરિવારને 15 દિવસ પહેલા મોતની ધમકી મળી હતી. જે સંદર્ભે પોલીસને કરેલી અરજીનો જવાબ લખાવીને યુવક પરત આવ્યો તે રાત્રે જ તેની હત્યા થઈ ગઈ છે.


મળતી માહિતી પ્રમાણે સુરતના કતારગામ ફુલપાડા વિસ્તારમાં રવિવારની રાત્રે એક યુવાનની હત્યા કરી નાખવામાં આવી હતી. આ મામલે પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે. આ હત્યા પાછળ જૂની અદાવત અથવા હપ્તાખોરી હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં પોલીસે જે લોકોની ધરપકડ કરી છે તેઓ એક જ પરિવારના છે. પોલીસે આરોપીઓના ઘરની તપાસ કરતા ત્યાંથી બે બંદૂક પણ મળી આવી છે. આ કેસમાં આગામી દિવસોમાં પોલીસ વધારે લોકોની ધરપકડ કરે તેવી પણ શક્યતા છે.


રસ્તામાં જ હત્યા: મળતી માહિતી પ્રમાણે રાજા નામનો શખ્સ મૂળ ઓડિશાનો હતો. જે વર્ષોથી સુરતમાં રહેતો હતો. મૃતકના ભાઈ સુમિતના કહેવા પ્રમાણે તે કતારગામ ગીતાનગરમાં ઘર નજીક પાનનો ગલ્લો ચલાવીને ગુજરાન ચલાવે છે. રવિવારની રાત્રે 8-10 લોકોએ રાજા પર હુમલો કર્યો હતો. હુમલો કરનાર લોકોમાં મહિલાઓ પણ સામેલ હતી. તમામ લોકોએ ચપ્પાના ઘા મારીને રાજાને પતાવી દીધો હતો. રસ્તા પર જ રાજાનો મૃતદેહ છાતીમાં ચપ્પુ હુલાવી દીધેલી હાલતમાં મળ્યો હતો.


પોલીસે આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરી છે. મૃતકના ભાઈની ફરિયાદ પ્રમાણે હુમલાખોરમાં ભોપાલ, તુષાર ઉર્ફે મેગી, અપ્પુ, દિવ્યેશ, જીગર, હિરેન, કૃણાલ, રાજુ, અશોક, સુમન, સહિત ત્રણ મહિલા સામેલ છે. મૃતકના ભાઈના કહેવા પ્રમાણે હુમલાખોરો માથાભારે છે. તે લોકોએ 15 દિવસ પહેલા પણ આખા પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પરિવારે પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. રવિવારે તેનો ભાઈ પોલીસ સ્ટેશનમાં જવાબ લખાવવા ગયો હતો. આ દિવસે જ રાત્રે તેની હત્યા કરી નાખવામાં આવી હતી.