

કેતન પટેલ, બારડોલી: બારડોલીમાં પટેલ પરિવારના એન.આર.આઈ દીકરાની જાન રીક્ષામાં પહોંચી, ગ્રામજનોને ફૂલોથી શણગારેલી બસમાં જયારે પરિવારના સભ્યો ૧૨ રીક્ષામાં લગ્ન મંડપમાં પહોંચ્યા હતા. પરિવારની સમાજલક્ષી પહેલથી રીક્ષા ચાલકોને રોજગાર મળ્યો અને સાદગીથી લગ્ન થાય એવો મેસેજ સમાજને આપ્યો.


વાત કરીએ કામરેજના સેવણી ગામના વૈભવી પટેલ પરિવારના લગ્નની, આ પરિવાર હિંદુ રીત રિવાજ મુજબ લગ્ન કરવા નીકળ્યો પણ લગ્નની રીત અનોખી હતી કેમ કે, ગ્રામજનો ફૂલોથી શણગારેલી બસમાં સવાર હતા પરંતુ વરરાજા સહીત પટેલ પરિવારના ૨૪ સભ્યો રીક્ષામાં લગ્ન મંડપે પોહ્ચ્યા હતા. કેમ કે, એન.આર.આઈ પરિવારના દીકરાની ઈચ્છા હતી કે, તેના લગ્નની જાન રીક્ષામાં જાય અને પરિવાર રિક્ષામાં જાન લઇ પોહ્ચ્યો. લગ્ન વૈભવી હતા પણ પટેલ પરિવાર દ્વારા સમાજ અને લોકોને એક મેસેજ આપ્યો હતો.


ફૂલોથી શણગારેલી બસ ઉભી હતી, પરિવારના સભ્યો અને ગ્રામજનો સજીધજી ઉભા હતા અને કટારબંધ ૧૨ જેટલી રીક્ષા પણ ઉભી હતી. ત્યારે સવાલ એ થાય અમેરિકાના ટેક્સાસ શહેરમાં સ્થાયી થયેલા પટેલ પરિવારના દીકરાના લગ્ન હોય અને આટલી બધી રીક્ષા કેમ આવી પણ પટેલ પરિવારના દીકરાથી ઈચ્છા હતી કે તેની જાન વૈભવી ઠાઠ સાથે નહી પણ ઓટોરિક્ષામાં કાઢવામાં આવે.


પહેલા તો દીકરાની ઈચ્છા સામે પરિવાર મુજવણમાં હતો પરંતુ પછી તેઓ પણ રીક્ષામાં બેસી લગ્ન મંડપ સુધી જવાનું નક્કી કર્યું અને પટેલ પરિવાર વરરાજા સાથે ૨૪ જેટલા પરિવારના સભ્યો ૧૨ રીક્ષા લઇ સાઈમંદિરથી ૫ કિલોમીટર દુર લેઉવા પાટીદાર વાડી ખાતે પહોંચ્યા હતા.


આ પરિવાર એન.આર.આઈ પરિવાર છે, તેમણે દીકરાના લગ્ન વૈભવી ઠાઠ સાથે કર્યા હોત પરંતુ દીકરા શિવ પટેલની ઈચ્છા હતી કે, લગ્ન ધામધુમથી થાય પરંતુ તેની જાન ઓટો રીક્ષામાં જાય કેમ કે સમાજમાં બદલાવની જરૂર છે લગ્ન અને મકાન બાંધવું ખુબ કઠીન અને અઘરું છે, મોઘવારીના સમયમાં લગ્ન સહિતના પ્રસંગો સાદગીથી કરવા જોઈએ અને સમાજમાં એક મેસેજ જાય એ માટે વરરાજા શિવની ઈચ્છા મુજબ પટેલ પરિવારે ૧૨ રીક્ષા અને રીક્ષામાં પરિવારના અંગત ૨૪ સભ્યો રીક્ષામાં બેસી લગ્ન મંડપમાં પોહ્ચ્યા હતા.


પરિવારમાં ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો પરંતુ વધુ ઉત્સાહ રીક્ષા ચાલકોમાં જોવા મળ્યો હતો કેમ કે, તેમની રીક્ષા ફૂલોથી સજી ધજી વરરાજા સાથે લગ્ન મંડપે જવાની હતી.


કામરેજના સેવણી ગામના વિઠલભાઈ પટેલના ઘરે લગ્નનો રૂડો અવસર હતો, કેમ કે દીકરાના લગ્ન હતા, વરરાજાના માતા, પિતા, કાકા અને બેન બનેવી સહીત પરિવારના સભ્યો ભારે ઉત્સાહ ભેર લગ્નજાનમાં જોડાયા હતા.


વરરાજાની જાન કોઈ ઓડી કારમાં કે બી.એમ.ડબ્લ્યુમાં નહી પરંતુ ઓટો રિક્ષામાં લગ્ન મંડપે પહોંચતા વરરાજા આકર્ષકનું કેન્દ્ર બન્યા હતા. લોકો પણ વરરાજાની સાદગી પર આફરીન હતા કેમ કે અંગ્રેજી લહેકામાં બોલતા વરરાજા એક સામાન્ય માણસની જેમ રીક્ષા લઇ લગ્ન કરવા નીકળ્યા હતા. પટેલ પરિવારમાં જેટલો ઉત્સાહ હતો એના કરતા વધારે ઉત્સાહ રીક્ષા ચાલકોમાં જોવા મળ્યો હતો કેમ કે, તેમને રોજગાર અને માન સમ્માન પરિવારે આપ્યું હતું.