

કિર્તેશ પટેલ, સુરત: નવસારીના એક દિવ્યાંગ વ્યક્તિ પર માથાભારે ઈસમોએ જમીન (Land) પર કબજો કરી જીવલેણ હુમલો (Attack) કર્યો હતો. આ મામલે તેઓએ ફરિયાદ નોંધાવવા માટે અનેક રજુઆત કરી હોવા છતાંય પોલીસ (Navsari Police) તરફથી ન્યાય ન મળતા આખરે આ વૃદ્ધ આજે સુરત ખાતે રેન્જ આઈજી (Surat Range IG)ની ઑફિસ બહાર ધરણા પર બેઠા છે. ધરણા પર બેસીને વૃદ્ધા ન્યાયની માંગણી કરતા પોલીસ દોડતી થઈ છે. બનાવની વિગત જોઈએ તો છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ ગુજરાતમાં જમીન માફિયા બેફામ બન્યા છે. આવા લોકો જમીન મલિકની જમીન પર કબજો કરી તેમના પર હુમલા કરતા હોય છે. જમીન માફિયાઓનો ત્રાસ એટલી હદે વધી જતો હોય છે કે અનેક કિસ્સામાં જમીન માલિકો આપઘાત કરી લેતા હોય છે.


આવી જ એક ઘટના સુરત નજીક આવેલા નવસારી જિલ્લાના મુન્દ્રારા ગામના રહેવાસી ઈમ્તિયાઝ અહમદ શેખ સાથે બની છે. તેઓ દિવ્યાંગ છે. આજે તેઓ ન્યાયની માંગ સાથે સુરતમાં રેન્જ આઈજીની ઓફિસ બહાર ધરણા પર બેસી ગયા હતા. તેમની બાપદાદાની જનીન પર તેમના ગામના માથાભારે ઈસમોએ કબજો જમાવી લીધો છે. છેલ્લા કેટલાય વર્ષોથી આ બાબતે માથાભારે શખ્સો તેમને હેરાન કરે છે.


હદ તો ત્યારે થઈ ગઈ કે જમીન મામલે છેલ્લા ત્રણ મહિનાથી તેમના પર જીવલેણ હુમલા થઈ રહ્યા છે. આ અંગે તેઓએ નવસારીના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને તમામ પુરાવા સાથે રજુઆત કરી છે, પરંતુ તેઓની ફરિયાદ ક્યાંય સાંભળવામાં નથી આવી. આખરે તેઓએ સુરતમાં રેન્જ આઈજી ઓફિસ બહાર ધરણા પર બેસવું પડ્યું છે.


આ મામલે તેઓએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ અહીં ધરણા પર બેસી રહેશે. આ મામલે મીડિયાનો જમાવડો સુરત રેન્જ આઇજી ઓફિસ બહાર થતાની સાથે પોલીસ દોડતી થઇ હતી. પોલીસે આ વૃદ્ધની ફરિયાદ સાંભળીને કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી. જમીન પર કબજો જમાવી લેનારા માથાભારે શખ્સોના નવસારી પોલીસના અધિકારીઓ સાથે સારા સંબંધ હોવાનો આક્ષેપ પણ વૃદ્ધ તરફથી કરવામાં આવ્યો છે.