

ન્યૂઝ18ગુજરાતી : અરબી સમુદ્રમાં (Arabian sea) ઉભા થયેલા ખતરનાક ક્યાર વાવાઝોડાએ (kyarr cyclone) દિવાળીના (Diwali) દિવસથી પોતાની અસર દેખાડવાનું શરૂ કરી દીધું છે. દિવાળીના દિવસે બપોર પછી સૌરાષ્ટ્રના દ્વારકા અને પોરબંદરના દરિયામાં ભારે કરંટ સાથે ઉંચા ઉંચા મોજા ઉછળવાની શરૂ થયું છે. એટલું જ નહીં રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં કમોસમી વરસાદ (Monsoon) પણ શરૂ થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ચાર દિવસ એટલે શુક્રવાર સુધી વરસાદ વરસે તેવી શક્યતાઓ છે. જો તમે આ સપ્તાહમાં ફરવા ગયા હશો તો વરસાદ ચોક્કસ તમારી મઝા બગાડી શકે છે.


હવામાન વિભાગે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડશે. તેમાં ખાસ કરીને દ્વારકા અને કચ્છમાં વરસાદ પડે તેવી શક્યતા છે. નોંધનીય છે કે દિવાળીના જ દિવસથી જ રાજ્યભરમાં કમોસમી વરસાદ શરૂ થઇ ગયો છે. ક્યાર વાવાઝોડાને પગલે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી વેરાવળ, પોરબંદર તેમજ અમરેલી જિલ્લાના બંદરો સહિતના સ્થળોએ 2 નંબરના સિગ્નલ લગાવાયા હતા.


ક્યાર વાવાઝોડાનો ખતરો તો ટળી ગયો છે પરંતુ રાજ્યનાં અનેક વિસ્તારોમાં તેની અસર જોવા મળી રહી છે. ત્યારે ગઇકાલે એટલે સોમવારે નવા વર્ષનાં પહેલા જ દિવસે અમદાવાદ, સુરત, વડોદરા, પોરબંદર, છોટાઉદેપુરનાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.


અમદાવાદનાં એસજી હાઈવે, પ્રહલાદનગર, મણિનગર, કાકરિયા, રાયપુર, ઈશનપુર, જશોદાનગર, ખોખરા, હાટકેસવર, અમરાઈવાડી, રખિયાલ, વસ્ત્રાલ, ઓઢવ, ગોમતીપુર, કાલુપુર, શાહીબાગ, વાડજ, રાણીપ, ચાદલોડિયા અને ગોતામાં ઝરમર વરસાદ પડ્યો હતો.