કિર્તેશ પટેલ, સુરત: આઈપીએલ 2022 (IPL 2022) લીગની શરૂઆત 26 માર્ચથી થઈ રહી છે. દરેક ટીમે પોતપોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગ રૂપે સુરત (CSK in Surat) શહેરમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પ્રેક્ટિસ માટે આવી પહોંચી છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન કુલ મહેન્દ્રસિંહ ધોની (CSK super kings captain Mahendra Singh Dhoni) સહિતના ખેલાડીઓ સુરત આવી પહોંચ્યા છે. ચેન્નઈની ટીમ પહેલીવાર સુરત ખાતે પોતાનો બેઝ કેમ્પ બનાવ્યો છે અને ત્યાં પ્રેક્ટિસ કરશે.
મહત્વનું છે કે, સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ પર પ્રેક્ટિસ માટેની સૌથી વધારે 72 પીચ છે. જે ભારતના એકપણ સ્ટેડિયમમાં નથી. એટલું જ નહીં હવે મુંબઈ અને અમદાવાદની જેમ લાલ માટીની પીચ પણ અહીં તૈયાર કરવામાં આવી છે. આ કારણથી ચેન્નાઈ સુપર કિંગ્સની મેનેજમેન્ટ ટીમ અને એક્સપર્ટ દ્વારા સુરતની પીચ અને વ્યવસ્થાની ચકાસણી થોડા સમય પહેલા કરવામાં આવી હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સના ઓફિશયલ પેજ પર આ ધોનીનો ફોટો શેર કરીને લખવામાં આવ્યું છે, સિંઘમ ઈન સુરત. ધોનીના સુરત આવવાથી સુરતના ક્રિકેટરસિકો અને ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકો લાલભાઈ સ્ટેડિયમ પર ટીમનો ઉત્સાહ વધારવા પહોંચ્યા હતા. સુરતમાં 7 માર્ચથી 22 માર્ચ સુધી ચેન્નાઈ સુપર કિંગ્સ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ કરશે. ત્યારબાદ તેઓ મેચના શિડ્યુલ પ્રમાણે આઈપીએલની મેચ રમવા ટીમ રવાના થશે. હાલ ટીમના તમામ સભ્યો બાયો-બબલમાં ભાગ રૂપે ક્વોરન્ટાઇન રહેશે. ત્યારબાદ પ્રેક્ટિસ શરૂ કરશે.