કિર્તેશ પટેલ, સુરત : વડોદરાની એક આદિવાસી તરુણી એક્ઝિલિયરી નર્સ વીડવાઇફનો (Auxiliary Nurse Midwife) થિયોરિકલ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પ્રેક્ટિકલ માટે સુરત આવી હતી. આ તરુણીને લિંબાયત વિસ્તારમાં આવેલી પંકજ હૉસ્પિટલ (Pankaj Hospital)નાં ડૉક્ટરે બળજબરીથી ચુંબન (Kissing) કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે તરુણીએ લિંબાયત પોલીસ મથક (Limbayat Police Station)માં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતી અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી લંપટ ડૉક્ટરની ધરપકડ કરી છે.
મૂળ વડોદરા જિલ્લાના આદિવાસી પરિવારની તરુણી રાજપીપળા ખાતે એએનએમનો થિયોરિકલ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પ્રેક્ટિકલ ટ્રેનિંગ માટે સુરતના લિંબાયતના સંજયનગર વિસ્તારમાં માનવ કેન્દ્રની બાજુમાં શિવકૃપા સોસાયટીમાં આવેલી ડૉ. જીજાબરાવ પાટીલની પંકજ હોસ્પિટલમાં અન્ય ચાર વિદ્યાર્થિની સાથે આવી હતી. છેલ્લા કેટલાક સમયથી ડૉકટર તમામ વિદ્યાર્થિનીઓ સાથે મજાક મસ્તી કરતા અને કોઈ પણ કારણ વિના ગળે મળતા હતા.
રવિવારે સાંજે હૉસ્પિટલના બીજા માળે તરુણી અન્ય સ્ટાફ સાથે ગણપતિની આરતી કરતી હતી. આ દરમિયાન ડૉક્ટરે પહેલા માળના દાદર પાસેથી બૂમ પાડી તરુણીને નીચે બોલાવી હતી. તરુણી નીચે જતા ડૉકટરે હર્નીયાનું ઓપરેશન હોવાથી ઑપરેશન થિયેટર તૈયાર કરવાનું કહ્યું હતું. જે બાદમાં તરુણી તેની તૈયારીમાં લાગી ગઈ હતી. થોડીવાર બાદ ડૉક્ટર આવ્યા હતા અને તરુણીને પાછળથી ઝકડી લઈને ગળાના ભાગે ચુંબન કર્યું હતું. જે બાદ ડરી ગયેલી તરુણીએ વિરોધ ન કરતા ડૉક્ટરે કપાળના ભાગે, બંને ગાલ ઉપર અને હોઠના ભાગે કિસ કરી હતી. ડૉક્ટરની આવી હરકતથી તરુણી બહાર દોડી ગઈ હતી અને આરતીમાં ઉભી રહી હતી. જે બાદ તેણી રસોડામાં જઈને રડવા લાગી હતી.
આ દરમિયાન તેણીએ તેની બહેનપણીઓને સમગ્ર હકીકત જણાવી હતી. બીજા દિવસે આ અંગેની જાણ હૉસ્પિટલની મહિલા ડૉક્ટરને કરવામાં આવી હતી. તેમની સલાહ મુજબ તરુણીના પિતાને ફોન કરીને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. તેમના પિતા એક સામાાજિક અગ્રણી સાથે સુરત દોડી આવ્યા હતા અને દીકરીને સાથે રાખીને લિંબાયત પોલીસ મથકે ફરિયાદ આપી હતી. લિંબાયત પોલીસ ગુનો નોંધી ગોડાદરા મધુસુદન રૉ હાઉસમાં રહેતા ડોક્ટર જીજાબરાવ પાટીલની ધરપકડ કરી હતી.