

કિર્તેશ પટેલ, સુરત : સુરત શહેરમાં (Surat Crime) જાણે લુખ્ખા તત્વોએ શહેરને બાનમાં લઈને અંધારી આલમનું રાજ સ્થાપી દીધું હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. રોજ રોજ હત્યા અને હત્યાના પ્રયાસો અને જીવલેણ હુમલાઓની હારમાળાથી રાજ્યની આર્થિક રાજધાની સુરત હચમચી ગઈ છે. દરમિયાન શહેરના લુખ્ખા તત્વ સમાન લાલુ જાલીમને (Lalu Jalim Gang Surat) ગેંગેનો આતંક સામે આવ્યો છે. આ ગેંગ દ્વારા કતારગામમાં મિલકત પચાવવા માટે વેપારીના પુત્રનું અપહરણ કરી અને તેને ઢોર માર મારી ફ્રેકચર કરી અને છોડી મૂકવામાં આવ્યો છે.


બનાવની વિગત એવી છે કે કતારગામ વિસ્તારમાં એક મકાન પડાવી લેવા માટે કુખ્યાત લાલુ જાલીમની ગેંગે કતારગામના વેપારીના પુત્રનું અપહરણ કરી તેને માર માર્યો હતો. આ ઘટના 11મી તારીખે બની હતી. જેની ફરિયાદ મંગળવારે નોંધાઈ હતી. ગુજરાતમાં આ ગૅંગ દ્વારા સુરતના કતારગામની રંગદર્શન સોસાયટીમાં રહેતા યશ પટેલ પિતા અશ્વિનભાઈ સાથે નવસારીમાં કરિયાણાની દુકાન ચલાવે છે.


યશ 11મી તારીખે સાંજે ઘરે હતો ત્યારે તેનો મિત્ર પ્રિતમ જૈન તેના એક સાગરિત સાથે આવ્યો હતો. જે યક્ષને સોસાયટીના નાકા પર વિવેક અને રવિ શિંદે પાસે લઇ ગયો હતો. જ્યાંથી યશને એક્ટિવા પર બેસાડી કતારગામ કૃષ્ણ ભૂમિ એપાર્ટમેન્ટમાં આવેલી ઓફિસે લઈ ગયા હતા. જ્યાં આરોપીએ વેપારીના પુત્રને ‘ દિપક જ્યસ્વાલ ક્યાં છે’ કહી વિડીયો કોલ કરી લોખંડનાં પાઇપથી માર માર્યો હતો. (લાલુ જાલીમ સફેદ શર્ટમા)


આરોપીઓએ લાલુ જાલીમ અને નિકુંજ ચૌહાણને ફોન કરી યશને ધમકી અપાવી હતી. તેઓ યશને માર મારતા હતા તે લાલુ જાલીમ અને નિકુંજને વીડિયો કોલથી બતાવતા હતા.યક્ષનાં પિતા અશ્વિનનું કતારગામમાં મકાન છે. જે મકાન આરોપીના નામે કરાવી લેવા મારી નાખવાની ધમકી આપી હતી. (અપહરણના સીસીટીવ દૃશ્યો)


ઓફિસમાં ગોંધી માર માર્યા બાદ યક્ષને આરોપીઓ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં ડોકટરને ઍક્સિડન્ટ થયું બહાનું કાઢયું હતું. સારવાર કરાવી બાદમાં આરોપીઓએ ભાડાની રિક્ષામાં તેને ઘરે મોકલી આપ્યો હતો.


ભોગ બનનાર યશ પટેલે આરોપી લાલુ જાલીમ, નિકુંજ ચૌહાણ, રવિ શિંદે, વિવેક, પ્રિતમ જૈન તેમજ અન્ય એક શખ્સ વિરુદ્ધ અપહરણ, બળજબરીપૂર્વક રૂપિયા કઢાવવા, ધમકી આપવી, માર મારવાની કલમો હેઠળ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધ્યો હતો.