

કિર્તેશ પટેલ, સુરત : દહેજથી ઘોઘાની રો-રો ફેરી સર્વિસ ભલે ડૂસકાં મારી રહી હોય પરંતુ હજીરાથી ઘોઘા રો-રો ફેરી સર્વિસ શરૂ કરવાના ડાકલાં વાગવાની શરૂઆત થઈ ગઈ છે. શહેરના સૌરાષ્ટ્રવાસી વર્ગમાં કાગડોળે રાહ જોવાઈ રહી છે તે હજીરા થી સૌરાષ્ટ્ર ઘો-ઘા રો-રો ફેરી આવનારા ગણતરીના દિવસોમાં કાર્યરત થઈ જશે. શહેરના સૌરાષ્ટ્રવાસી વર્ગમાં કાગડોળે રાહ જોવાઈ રહી છે તે હજીરા થી સૌરાષ્ટ્ર ઘો-ઘા રો-રો ફેરી આવનારા ગણતરીના દિવસોમાં કાર્યરત થઈ જશે. હાલમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડના સહયોગથી હજીરા ખાતે અદાણી જૂથ દ્વારા રો-પેક્સ ફેરી સર્વિસ પ્રોજેક્ટ માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે. અને આ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ઈન્સ્પેક્શન ગત ઈન્સ્પેક્શન તા.4થી ઓક્ટોબરના રોજ કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવીયાએ કર્યું હતું. સાથે જ આ કામગીરી આગામી 20 તારીખ સુધીમાં પૂર્ણ કરવા સૂચન કર્યું છે.


સૂચન પ્રમાણે નિયત સમયમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂર્ણ થઈ જાય તેવું આ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓનું કહેણું છે. તા.15મી ઓક્ટોબરના રોજ આ અંગે મિટીંગ મળનારી છે. જેમાં ટ્રાયલ રન માટેની તારીખ નક્કી કરાશે.મળતી માહિતી મુજબ, તા.31મી ઓક્ટોબરે સંભવત: ફેરીની સર્વિસ જાહેર થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા શિડ્યુલ પ્રમાણે ઘોઘાથી પ્રથમ દિવસે સવારે 7 વાગ્યાથી નીકળીને 11 વાગ્યે હજીરા પહોંચશે. ત્યારબાદ તે દિવસે જ 12 વાગ્યે હજીરાથી નીકળીને બપોરે 4 વાગ્યે ફરી ઘોઘા ફેરી પહોંચશે.


આ ફેરી ત્રીજો રાઉન્ડ લેતાં ઘોઘાથી 5 વાગ્યે નીકળઈને રાત્રે 9 વાગ્યે હજીરા આવશે. જે બીજા દિવસે ફરી સવારે 7 વાગ્યાથી હજીરાથી નીકળીને 11 વાગ્યે ઘોઘા, 12 વાગ્યે ઘોઘાથી નીકળીને બપોરે 4 વાગ્યે હજીરા આવશે. 5 વાગ્યે ફરી હજીરાથી નીકળીને 9 વાગ્યે ઘોઘા પહોંચશે.સુરતથી સૌરાષ્ટ્ર જતાં લોકો ફરી બસ પરિવહન તરફ વળ્યા છે. રૂ.400ના દરે દહેજ-ઘોઘા ફેરીમાં મુસાફરી કરી શકાતી હતી.


જોકે, સુરતથી અન્ય મુસાફરી મારફતે દહેજ પહોંચવાનો ખર્ચ પણ થતો હતો. જેની સરખામણીએ હવે હજીરા સુધી પહોંચવામાં ઓછો ખર્ચ લગાશે. જ્યારે સુરતથી બસમાં મુસાફરી કરવામાં આવે તો 11 થી 13 કલાકના સમય લાગવાની સાથે પ્રતિ સીટ રૂ.500 થી 600 જ્યારે સિઝનમાં રૂ.1000 કે તેથી વધુનો ખર્ચ પણ મુસાફરના માથે આવતો હોઈ છે.


દહેજ-ઘોઘા ફેરી શરૂ થઈ ત્યારે સુરતથી દોઢ કલાકના અંતરે દહેજ પહોંચ્યા બાદ ત્યાંથી ઘોઘા 4 કલાકની દરિયાઈ સફર બાદ સૌરાષ્ટ્રવાસી લોકો પોતાના વતનની નજીક પહોંચી જતાં હતા. જોકે, પાછલા વર્ષે પડેલા વધુ વરસાદની સાથો-સાથ જીએમબી દ્વારા જે કંપનીને કાપ કાઢવાનું કામ આપ્યું હતું, ડ્રેજિંગની કામગીરી કાચબા ગતિએ થતાં ઘોઘા-દહેજ ફેરી સર્વિસને વારંવાર બ્રેક લાગી છે.