સુરત : છેલ્લા 2 કલાકમાં રાજ્યનાં 167 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 7.25 ઇંચ વરસાદ નોંધાયો છે. માંડવીમાં 6. ઇંચ, માંગરોળમાં 6 ઇંચ, કામરેજમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે કચ્છના ભુજ તાલુકામાં માત્ર 2 કલાકમાં જ ત્રણ ઈંચ વરસાદ પડતા ઠેરઠેર પાણી ભરાયા હતા. આ સિવાય દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ચાર કલાકમાં 3.84 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં પાંચ દિવસમાં વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને 12 અને 13 ઓગસ્ટે રાજ્યમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી હતી. જેમાં 12 ઓગસ્ટની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે. આ સાથે 13 ઓગસ્ટે ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં વરસાદ વરસાવનારી સિસ્ટમ મધ્યપ્રદેશમાં આકાર પામી રહી છે. ઉતર-પૂર્વ મધ્યપ્રદેશમાં લો પ્રેશરની સાથે સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયુ છે. જેના પગલે રાજ્યભરમાં આગામી પાંચ દિવસ વરસાદી વાતાવરણ રહેશે.