

કિર્તેશ પટેલ, સુરત : શહેરના પુણાગામ વોર્ડમાં લગ્ન પહેલા વધુએ મતદાન કર્યું હતું. દુલ્હનના ડ્રેસમાં સજ્જ યુવતીએ સ્વજનો સાથે વોટ આપ્યો હતો. આ યુવતીએ લોકશાહીના જતન માટે સૌને મતદાન અવશ્ય કરવાની અપીલ કરી છે. આવા દ્રશ્યો યુવાનો અને નિરુત્સાહી મતદારોમાં મતદાનને લઈને જાગૃતિ લાવે છે.


સુરત મહાનગર પાલિકાની 30 વોર્ડ અને 120 બેઠકો માટે આજે મતદારો મતદાન કરવા ઉત્સાહી બન્યા છે. ત્યારે પુણા ગામમાં એક દુલ્હને લગ્ન પહેલાં મતદાન કર્યું છે. બીઇ મિકેનિકલ યુવક અને વકીલ યુવતી બન્ને સાધારણ પરિવારના હોવાનું અને બન્નેના પિતા રત્નકલાકાર હોવાનું જાણવા મળ્યું છે.


પહેલાં મતદાન અંગે આ યુગલે જણાવ્યું હતું કે, એક બીજાની જીવનભર કાળજી રાખવાના આ પ્રસંગ પહેલાં આપણા શહેરની કાળજી રાખનાર પ્રતિનિધિઓની પસંદગી જરૂરી છે. સ્વચ્છ શહેર તંદુરસ્ત શહેર હશે તો જ આપણું પરિવાર તંદુરસ્ત રહી શકશે. નિધિ ધીરુભાઈ ગેલાણી(વધુ) એ જણાવ્યું હતું કે, મારા પિતા રત્નકલાકાર છે અને અમે લુણકી ગામ બાબરા તાલુકાના અમરેલીના રહેવાસી છીએ. મારી એક મોટી બહેન અને નાનો ભાઈ છે. મેં એલએલબી સુધીનો અભ્યાસ કરી હવે વકીલાતની તૈયારી કરી રહી છું. લગ્ન પહેલાં મતદાનનો નિર્ણય મેં મારા ફિયાન્સ સાથે કર્યો છે.


મતદાનની જાગૃતતા અને એક સંદેશો આપવા અમે હસ્તમેળાપ પહેલાં મતદાન કર્યા બાદ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જે આજે પૂરૂ પણ થયું અને યાદગાર પણ બની રહેશે. ભાવિક ધાનાણી (વર) એ જણાવ્યું હતું કે, મારા પિતા પણ રત્નકલાકાર છે અને અમે લાલાવદર અમરેલીના રહેવાસી છીએ. મને એક મોટી બહેન અને નાનો ભાઈ છે. મે બીઇ મિકેનકલ કર્યા બાદ નોકરી કરું છું. નિધીનો આ વિચાર હૃદયને સ્પર્શી ગયો હતો. જાગૃતતા હોવી જીવનમાં ખૂબ જરૂરી છે. આપણા ભવિષ્ય પહેલા આપણા શહેર, રાજ્ય અને દેશનું ભવિષ્ય પણ આપણા જ હાથમાં છે. એક મત જાગૃતતા તરફ એ સંકલ્પ દરેકે લેવો જોઈએ.


ભાવિકે વધુમાં જણાવ્યું હતું કે, હું મતદાન બાદ લગ્નગ્રંથીથી જોડાવવા જઈ રહ્યો છું એનો આનંદ છે. પહેલાં વોટ પછી લગ્ન એ એક યાદગાર પળ અને દિવસ બન્યો છે. અમારા મતદાન બુથ શાંતિ નિકેતન શાળા, નાલંદા -2 શાળા ની પાસે, દાન ગિગેવ વિભાગ-2, પુણા ગામ, માં અમારું પહેલું મતદાન કરવાનો લહાવો મળે. અમે બન્ને વોર્ડ નંબર 16 પુણા (પશ્ચિમ)ના મતદાર છીએ.