

કિર્તેશ પટેલ, સુરત : કોરોનાની મહામારીથી બચવા માટે માસ્ક પહેરવાની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી છે. લોકો ભેગા થાય તો કોરોનાનું સંક્રમણ વધે તેમ છે. આ કારણે વિશ્વમાં બીજા ક્રમે ઉજવાતો સુરતનો ગણેશોત્સવ આ વખતે સાદાઈથી ઉજવાશે. સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતીએ મ્યુનિ.કમિ., પો.કમિ. તેમજ કલેકટર સાથે મીટિંગ કર્યા બાદ ગણેશોત્સવ સાદાઈથી ઉજવવાની જાહેરાત કરી હતી. જેના માટે સમિતીએ હવે ગાઈડલાઈન પણ જાહેર કરી છે. આ સાથે અમદાવાદમાં પણ ગણેશોત્સવ સાદાઇથી ઉજવાઇ તેવી અપીલ કરવામાં આવી છે.


સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતીએ આ અંગેની ગાઇડલાઇન પણ જાહેર કરી છે. જેમાં સાર્વજનિક ગણેશોત્સવને બદલે ઘરમાં જ ગણેશજીની સ્થાપના કરવા માટે અપીલ કરાઈ છે. સુરત શહેર આખાની લાગણી ગણેશોત્સવ સાથે જોડાયેલી છે ત્યારે આ વખતે ગણેશોત્સવ દરમ્યાન તંત્રની પણ મોટી કસોટી થશે. જો લોકો સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવે તો ગણેશોત્સવ કોરોનાના સંક્રમણ માટે મોટું પ્લેટફોર્મ બની રહે તેમ છે.


આખા વિશ્વમાં સૌથી મોટો ગણેશોત્સવ મુંબઈમાં થાય છે. જ્યારે બીજા ક્રમે સુરત શહેરમાં ગણેશોત્સવ ઉજવાય છે. સુરતમાં ગણેશોત્સવમાં લાખો લોકો ભાગ લે છે. ગલીએ ગલીએ સાર્વજનિક ગણેશોત્સવની સ્થાપના સાથે 10 દિવસ ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા દિવસે ગણેશ વિસર્જન યાત્રા કાઢવામાં આવે છે. તેમાં પણ સુરતમાં આશરે 20 લાખ લોકો રસ્તા પર આવે છે અને હકડેઠઠ મેદની જામે છે. સુરતમાં ગણેશોત્સવનો આ મહિમા જોતા તંત્ર પણ આ વખતે ભારે ચિંતિંત છે.


આગામી તા.22મી ઓગષ્ટના રોજ ગણેશોત્સવનો પ્રારંભ થનાર છે ત્યારે આ વખતે ગણેશોત્સવ સમિતની સાથે તંત્રએ પણ કોરોનાની મહામારી દરમ્યાન ગણેશોત્સવ માટેના આયોજનો શરૂ કરી દીધા છે. ત્યારે આ વખતે માત્ર 1 કે 2 ફૂટની માટીની મૂર્તિની સ્થાપના કરવી, ગણેશ સ્થાપના ઘરે કરવી, ગલીઓ માં મંડપ બાંધવો નહીં. વધારે ભીડ કરવી નહીં, પૂજા અર્ચના કરતી વખતે સોસિયલ ડિસ્ટન્ટ જાળવવું, મૂર્તિનું વિસર્જન ભીડ વગર શેરીમાં જ કરવું, આખરી નિર્ણય પોલીસ કમિશ્નરના જાહેરનામા મુજબ રહેશે. પોલીસ કમિશ્નરનું જાહેરનામું છે કે, 2 ફૂટથી ઊંચી પ્રતિમાની સ્થાપના ન કરવી, જાહેરરોડ પર સ્થાપના ન કરવી અને આ જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી થશે.


ગણેશોત્સવમાં સુરત શહેરમાં આ મહામારી વધુ નહી પ્રસરે તે ચિંતા સાથે સુરત શહેર ગણેશ ઉત્સવ સંત સમિતિના અધ્યક્ષ સ્વામી અંબરીશાનંદજી, મહામંત્રી સિતારામદાસજી અને વિશ્વેશ્વરાનંદજી, પ્રમુખ અનિલ બિસ્કીટવાલા સહિતના હોદેદારોઓએ ઉજવણીના ભાગરૂપે મ્યુનિ.કમિ., કલેકટર તેમજ પો.કમિ. સાથે રૂબરૂ મુલાકાત કરી ચર્ચા વિચારણા કર્યા બાદ ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈન પ્રમાણે જ સુરતમાં ગણેશોત્સવની ઉજવણી કરવા માટે આહ્વાન કરાયું છે. જોકે, આગામી દિવસોમાં સરકારી તંત્ર દ્વારા પણ ગણેશોત્સવની ઉજવણી માટે વિવિધ નિયમો જાહેર કરવામાં આવશે.


કોરોના મહામારીની સ્થિતિમાં અમદાવાદમાં પણ ગણેશ મહોત્સવની સાદગીથી ઉજવણી કરવામાં આવશે. સાર્વજનિક ગણેશ મહોત્સવ એસોસિએશનના પ્રમુખ ગણેશ ક્ષત્રિયના જણાવ્યા અનુસાર, આ વર્ષે શહેરમાં એક પણ પીઓપીની મૂર્તિ બનાવવામાં નહીં આવે. આ સાથે એસોસિએશન દરેક ભક્તને આ વર્ષે બે ફૂટ જેટલી જ માટીના મૂર્તિની જ સ્થાપના કરવા માટે અપીલ કરશે. આ સાથે તેમણે જણાવ્યું કે, સોસાયટી દીઠ એક જ મૂર્તિનું સ્થાપન કરવામાં આવશે. આ માટે એસોસિએશને સોસાયટીઓને અપીલ કરી છે. એસો. દ્વારા શહેરના તમામ પંડાલો તેમજ મોટી મોટી સોસાયટીઓને જણાવવામાં આવશે કે, નાની મૂર્તિ બેસાડો તેમ જ સ્થળ ઉપર વિસર્જન કરો જેથી આપણો મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન થાય. આ વર્ષે મહોત્સવમાં સોસાયટી દીઠ એક વ્યક્તિ ગણેશજીની આરતી ઉતારીને સોશિયલ ડિસ્ટન્સ જાળવશે. આ સાથે કોઈ પ્રકારની પ્રસાદીનું વિતરણ કરવામાં નહીં આવે.