

સુરત : લૉકડાઉન (Lockdown)ને કારણે રાજ્યમાં ફસાયેલા પરપ્રાંતીય મજૂરો (Migrant Workers)ને મોકલવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ માટે આખા રાજ્યમાં નોંધણી (Migrant Registration) કરવામાં આવી રહી છે. જે બાદમાં સરકાર તરફથી તેમને મૂકવા માટેની જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આજે સુરત ખાતેથી ઓડિશાના મજૂરોને મૂકવા માટે બે ખાસ ટ્રેન (Train)ની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ એવા પણ સમાચાર મળ્યા છે કે બે દિવસ પહેલા સુરતથી વારાણસી (Surat to Varanasi Buse) જવા માટે નીકળેલા શ્રમિકો સુરત પરત ફર્યા છે. આ લોકો તમામ મંજૂરી સાથે બસ મારફતે વારાણસી જવા માટે નીકળ્યા હતા, પરંતુ તેમને બોર્ડર પરથી પરત મોકલાયા છે.


સુરતથી વારાણસી જવા માટે ચાર બસ નીકળી હતી. આ તમામ બસોમાં શ્રમિકો સવાર હતા. જોકે, આ તમામ બસોએ અડધેથી જ પરત ફરવું પડ્યું હતું. ચાર બસમાં કુલ 200 જેટલી શ્રમિકો સવાર હતા. આ તમામ લોકોને મધ્ય પ્રદેશની સરહદ પરથી પરત મોકલવામાં આવ્યા છે.


આ તમામ લોકો સચિન જીઆઈડીસી ખાતેથી નીકળ્યા હતા. જરૂરી મંજૂરી હોવાથી આ તમામ બસોને મધ્ય પ્રદેશની સરહદ સુધી જવા દેવામાં આવી હતા. મધ્ય પ્રદેશની સરહદ પર બસોને રોકી દેવામાં આવી હતી. તેમને કહેવામાં આવ્યું હતું કે હાલ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન માટે જ મંજૂરી મળી છે. ઉત્તર પ્રદેશની મંજૂરી રદ કરવામાં આવી છે.